________________
૪૩૦
અનુભવ સંજીવની
થવા અને આત્મામાં અંતર્મુખ થવા જીવે સત્સંગનો આશ્રય કરવો – ઉપાસવો અને અસત્સંગથી અને કુસંગથી દૂર થવું. યદ્યપિ સૌને પૂર્વ પ્રારબ્ધ અનુસાર સંયોગ વિયોગ થાય છે, પરંતુ ખરેખર તેનાથી સુખ કે દુઃખ નથી. પરંતુ અજ્ઞાનભાવે કરેલા પૂર્વગ્રહથી સુખ – દુઃખની કલ્પના, સ્વરૂપ સાવધાનીના અભાવમાં ઉત્પન્ન થાય છે.
(૧૭૦૯)
મોક્ષમાર્ગ સુધી પહોંચવા માટે મુમુક્ષુદશાના દરેક સ્તરે સતત કાર્યશીલ રહેવું આવશ્યક છે. તો જ પ્રયત્ન સફળ થાય અને આગળ વધાય. અર્થાત્ એક લયે પ્રયત્ન હોવો ઘટે. ત્રુટક ત્રુટક જો કાર્ય કરાય છે, તેમાં સફળતા મળતી નથી અને સમય તથાશક્તિનો વ્યય થાય છે, જે નિરર્થક જાય છે. તેથી ‘પ્રયત્નમાં સાતત્ય'નું મહત્વ ઘણું છે. તે લક્ષમાં લેવું ઘટે છે. જો તે સતતપણાનું મહત્વ સમજાતુ નથી-તો પ્રયાસ સતત ચાલે નહિ. અને પ્રાયઃ આ ખૂટતો મુદ્દો (Lacking point) પકડાતો નથી. બાકી યથાર્થતામાં તો, સર્વોત્કૃષ્ટ મહાન ધ્યેય'ની પ્રાપ્તિની યથાર્થ સમજ હોવાથી, સતતપણું પુરુષાર્થનું સહજ રહે છે.
(૧૭૧૦)
જિજ્ઞાસા : સત્પુરુષના સમાગમની એક ક્ષણ પણ સંસાર સમુદ્ર તરવા માટે નૌકા સમાન થાય છે'. આ વાક્ય યથાર્થ લાગે છે, તો એ એક ક્ષણ કેવી હોય છે ? સમજાવવા વિનંતી છે.
સમાધાન : જેનું ભવિતવ્ય સમીપ હોય છે, તેને તેવી એક ધન્યપળે સત્પુરુષનો સમાગમ થાય છે કે જ્યારથી તેનું જીવન આત્મકલ્યાણની દિશામાં વળી જાય છે. તે ક્ષણથી સત્પુરુષ પ્રત્યે ‘પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે’–એવી દશા શરૂ થાય છે, જેનો અંજામ છેવટે નિર્વાણપદમાં આવે છે. તે જીવને પ્રથમથી જ સત્સંગનો અપૂર્વ મહિમા, પ્રત્યક્ષ લાભ થવાથી ઉત્પન્ન હોય છે.
(૧૭૧૧)
આત્મકલ્યાણની તીવ્ર ભાવનાપૂર્વક ઉદયમાં પ્રયોગ થવો ઘટે. નહિતો ઉદય અનુસાર ભાવો થઈ નવું કર્મબંધન થાય. મોક્ષાર્થી જીવતો ઉદયને પ્રયોગનું નિમિત બનાવે છે. તેથી તે ઉદયભાવોમાં તણાતો નથી. તે એવા પ્રકારે કે ઉદયમાં જ્યાં જ્યાં પોતાપણું થાય ત્યાં મટાડવા પ્રયાસ કરે છે, સચેત અચેત બંન્ને પદાર્થોમાં તેમજ તે તે પદાર્થોની સ્વતંત્રતાનો સ્વીકાર કરી, તેમાં થતી કર્તાબુદ્ધિ તોડવાનો પ્રયાસ કરે છે. જેથી દર્શનમોહ મંદ થતાં વિભાવનો રસ ન ચડે.
(૧૭૧૨)
જિજ્ઞાસા : અનંતકાળથી આ જીવનું પરિભ્રમણ થઈ રહ્યું છે છતાં તેની નિવૃત્તી થઈ નથી; અને તે શું કરવાથી થાય ? આ વાક્યમાં “અનંત અર્થ સમાયેલા છે,' તે કૃ. દેવ કેવી રીતે કહેવા માગે છે ?