________________
૧૧૬
અનુભવ સંજીવની
અનાદિથી જીવને રાગાદિ વિભાવનું વેદન અધ્યાસીત ભાવે મુખ્યપણે વેદાય છે; તે જ્ઞાનવેદનની મુખ્યતા થયા સિવાઈ, ગૌણ થાય નહિ, તેથી તેમ થવું ઘટે છે, તો પણ જ્ઞાનવેદન મુખ્ય થવામાં પર્યાયને મુખ્ય કરવાનું અહીં કહેવામાં આવતું નથી; પરંતુ આવું જ્ઞાનવેદન, અખંડ ત્રિકાળી અસ્તિત્વમયી ધ્રુવ સ્વભાવમાં સ્વપણું થતાં જ સહજ ઉદય પામે છે. અખંડ મહાન આશ્ચર્યકારી અદ્ભુત સ્વભાવમાં, શ્રદ્ધાભાવ અભેદ થતાં, ફેલાઈ જતાં, પ્રસરી જતાં જ પ્રસિદ્ધ વેદન ગૌણ સહજપણે થઈ જાય છે. જ્ઞાન સ્વભાવમાં એકાગ્ર થયેલાં પરિણામ, વ્યાપ્ય-વ્યાપકભાવે સ્વરૂપાનુભવ કરે છે, સ્વરૂપલાભ લઈ, સ્વરૂપનિવાસ કરે છે. તેથી સહજ વિભાવ અંશથી ભિન્ન થઈ વર્તતા એવા તે વિભાવને પરજ્ઞેયની જેમ જાણે દેખે છે. આમ સાધકને એક જ સમયમાં એક જ પરિણામમાં બન્ને પ્રકારનો (જુદો જુદો) અનુભવ થાય છે. અને અનાકુળ સ્વાદના પ્રત્યક્ષ વેદનથી આકુળતાના સ્વાદની વિરુદ્ધતા અનુભવ ગોચર થાય છે.
(૪૩૪)
જીવના પરિણામ બે પ્રકારે છે, શુદ્ધ અને અશુદ્ધ. તેમાં અશુદ્ધતા પરભાવભૂત હોવાથી હેય છે, અને શુદ્ધતા સ્વભાવભૂત હોવાથી ઉપાદેય છે. આ વિવેક પરિણામ અંગેનો છે. પરંતુ શુદ્ધ પરિણામ સ્વયં સ્વભાવની ઉપાદેયતા થવાથી જ ઉત્પન્ન હોય છે; બીજી રીતે તેની ઉત્પત્તિ થતી નથી. તેથી શુદ્ધ પરિણામને ઉપાદેય કહેતાં, તેમાં સ્વભાવની ઉપાદેયતા અભિધેય છે. હવે નિયમસાર આદિ સત્ શાસ્ત્રોમાં પરિણામ માત્ર હેય (ક્ષાયિક / પૂર્ણશુદ્ધ દશા પણ) છે અને એક પોતાનું પરમ પારિણામીક ભાવ સ્વરૂપ જ ઉપાદેય છે. – એવા વચનો / કથનો આવે છે. ત્યાં પરિણામ માત્રનું અવલંબન, આશ્રય, મુખ્યતા અને દૃષ્ટિ કરવા યોગ્ય નથી, તેવો અભિપ્રાય છે. પરંતુ તેવા પરિણામ જ થવા ન જોઈએ;' તેમ, અશુદ્ધતાની માફક નિષેધ કરેલ નથી. આવી હેય-ઉપાદેયની જુદી જુદી મર્યાદા સમજવા યોગ્ય છે, જેથી અનર્થ ન થાય. (૪૩૫)
રાગ અને જ્ઞાન વચ્ચે ભેદ જાણી, ભેદજ્ઞાન કરવું સૂક્ષ્મ અવશ્ય છે, તો પણ જે ભવ્ય આત્મા છૂટવાનો કામી છે, તે નિજઅવલોકનનો અભ્યાસ કરે છે; તેમાં તેને રાગાદિ ભાવ દુઃખરૂપે (આકુળતારૂપે), મિલનતારૂપે, અને પોતાથી વિપરીતતારૂપે અનુભવાતા માલૂમ પડે છે; અને જ્ઞાન નિસકુળ, પવિત્રભાવે, સ્વપણે થતુ માલૂમ પડે છે, અવલોકનના અભ્યાસ સિવાઈ, ભેદજ્ઞાન કરવા સુધી પહોંચી શકાતું નથી. ભિન્ન સ્વભાવવાળા ભાવો - સ્વભાવ અને વિભાવનું અનાદિથી એકત્વ થઈ રહ્યું છે; તો પણ કેમ થઈ રહ્યું છે, તે પોતે સમજી શકતો નથી, તેથી દુર્ગમ અને અઘરૂં લાગે છે. પરંતુ અવલોકનનો અભ્યાસ થવાથી જ્ઞાનમાં, (પોતાનું સ્વકાર્ય કરવાની રુચિ હોવાથી,) સૂક્ષ્મતા આવે છે, અને તેથી વિભાવ અને જ્ઞાન સ્વભાવ વચ્ચેની સંધિ જણાય છે, ત્યારે ભેદજ્ઞાન થવાની ક્ષમતા આવે છે, જે અપૂર્વ છે. (૪૩૬)