________________
૯૮
અનુભવ સંજીવની
તેમાં મોક્ષનું કાંઈ સાધન થતું નથી. બંધ થાય છે.
(૩૬૨)
મુમુક્ષુજીવ પ્રયોજનભૂત તત્વની ધારણા કરે, છતાં અંતર્મુખદષ્ટિ અને લક્ષ ન કરે, તો તેણે ‘પ્રયોજનભૂત’ને અપ્રયોજનભૂતરૂપે જ જાણ્યું છે. આમ થવાનું કારણ દર્શનમોહનું પ્રાબલ્ય છે. કારણકે જે પ્રયોજનભૂત તત્ત્વને જાણતાં એટલે કે પ્રયોજનભૂતપણે લક્ષમાં લેતાં, દર્શનમોહ ગળે, અવશ્યગળે, તેને જ માત્ર ધારણાની બંધ તિજોરીમાં રાખી લીધું !! જો સ્વરૂપ પ્રાપ્તિની યથાર્થ ભાવના હોય તો આવો પ્રકાર ન થાય. એકલી ધારણા પ્રાયઃ અભિમાન ઉત્પન્ન કરે છે.
(૩૬૩)
પરિભ્રમણ કરતાં જીવને અનંતકાળ વીતી ગયો. વર્તમાનમાં પણ જો જીવને સંસારિક ઉપાધિનો બોજો ઘણો હોય તો તે નિરુપાધિક આત્મતત્ત્વનો વિચાર પણ કરી શકે નહિ. તેથી મુમુક્ષુજીવે વૈરાગ્યપૂર્વક, આત્મરુચિ સહિત, ઉપયોગને (બોજાથી) નિવૃત્ત કરી સ્વલક્ષે સ્વ તત્ત્વનું ચિંતન આદિ કરવા યોગ્ય છે, કે જેથી અપૂર્વતા પ્રગટે.
(૩૬૪)
સ્વ-પરનું જાણવું તે વિકારનું કારણ નથી, ઉપાધિ નથી. અજ્ઞાનદશામાં (રાગ કરવાનો અભિપ્રાય હોવાથી, પ૨ને જાણવાના કાળે) પરને જાણતાં રાગાદિ થાય છે, તેમ ભાસે છે; ત્યાં સ્વ-પર પ્રકાશક જ્ઞાનની સ્વચ્છતાને જાણતો નથી, તે ભૂલ છે. તેથી પર સંબંધીના પોતાના જ્ઞાનનો નિષેધ, અજ્ઞાનથી જીવ કરે છે, કે મારે પરને જાણવું નથી. હું તો કેવળ સ્વને જાણવા ચાહુ છું, પરંતુ તેમ થવું અસંભવ છે. જ્ઞાની તો સમ્યજ્ઞાનની સ્વચ્છતા વડે સ્વ-પરને જાણે છે, તેમાં રાગનો અભિપ્રાય નથી; તેથી જ્ઞાતાભાવે જાણે છે, તેટલી વીતરાગતા છે. થોડો રાગનું કારણ સ્વરૂપ સ્થિરતાની અપૂર્ણતા છે. પરંતુ જ્ઞાન-જ્ઞેય રાગનું કારણ નથી.
(૩૬૫)
અર્થ / પદાર્થનો ભાવ ભાસ્યા વિના, સત્પુરુષના / શાસ્ત્રના વચનનો અભિપ્રાય પકડાય નહિ; તેથી માત્ર શબ્દાર્થ / ભાવાર્થ સમજી, પોતે માની લે કે હું જિન વચન અનુસાર માનું છું. પરંતુ ભાવભાસન વિના અન્યથાપણું થઈ જાય, તેથી હેય-ઉપાદેય તત્ત્વોની પરીક્ષા અવલોકનપૂર્વક અનુભવપદ્ધતિથી અવશ્ય કરવી. જેમકે રાગ દુઃખરૂપ છે તેથી હેય છે– તો રાગમાં દુઃખ ન લાગે (ભાસે) ત્યાં સુધી અંતર-અવલોકન કરવું. તેમજ ‘જ્ઞાન’ સુખરૂપ છે, તેમાં સુખ ન લાગે / ભાસે ત્યાં સુધી ‘માત્ર જ્ઞાન’નો પ્રયત્નથી અનુભવ કરવો. આ જ પદ્ધતિથી જ્ઞાનના આધારે જ્ઞાનસ્વભાવી આત્માનું ભાવભાસન-ઓળખાણ કરી, દ્રવ્ય-ગુણ-પર્યાય આદિ પદાર્થોને ઓળખવા.
(૩૬૬)
જેવી રીતે દર્પણમાં, દર્પણને નહિ જોતા, પોતાના મુખને - રૂપને પોતે જુએ છે; તેવી રીતે
-