________________
પ્રવચન-૭૭ ]
| ૧૨૩
દેવાલયમાં પરમ આરાધ્યદેવ વસતા નથી. ૫૨મ આરાધ્ય આત્મદેવ દેહરૂપી દેવાલયમાં વસે છે, નિર્મળ, રાગરહિત શ્રદ્ધા-જ્ઞાન અને શાંતિમાં આત્મા વસે છે, ધર્મમાં ધર્મી વસે છે. યોગીશ્વરોના શાંતિચિત્તમાં ચિદાનંદી ભગવાન વસે છે.
અરે ! નિર્વિકલ્પતત્ત્વ આત્મદેવ શું વિકલ્પની જાળમાં વસે ! શું શુભાશુભ વડે આત્મા જણાય ! ન જણાય, કારણ કે શુભ-અશુભરાગ આત્માની જાતના નથી. વીતરાગ સમસ્વભાવી આત્મા તેની જાતની એટલે કે સમભાવની પર્યાય વડે જ જણાય. એ રીતે આ ગાથા પૂરી થઈ.
ભગવાન આત્મા શક્તિરૂપે પરમાત્મા હતો, તેનું ધ્યાન કરીને વર્તમાન પર્યાયમાં સિદ્ધ ભગવાન ૫૨માત્મપદને પામી ગયા. વસ્તુ તો શુદ્ધ હતી જ પણ તેનું ધ્યાન કરતાં તેની દશામાં પરમાત્માદશા એ આત્માએ પ્રાપ્ત કરી. એવા પરમાત્માને ઓળખીને મારા લક્ષમાં લઈને એવા સિદ્ધપરમાત્માને હું નમસ્કાર કરું છું. શ્રી સમયસારમાં લીધું છે કે ભાઈ ! સિદ્ધપરમાત્માને નમસ્કાર કોણ કરી શકે ?–કે જે હૃદયમાં જ્ઞાનની દશામાં સિદ્ધપદને સ્થાપી શકે અને વિકાર આદિ મારામાં નથી, હું પૂર્ણાનંદ સિદ્ધ સમાન શક્તિએ છું—એમ જે શ્રદ્ધા-જ્ઞાનમાં સિદ્ધને સ્થાપે એ સિદ્ધને ખરો નમસ્કાર કરી શકે. ઊર્ધ્વ રહ્યાં છતાં સિદ્ધોને હેઠે ઉતારું છું કે પ્રભુ ! પધારો પધારો ! મારે આંગણે પધારો ! સિદ્ધને આદર દેનારના આંગણા કેટલા ઉજળા હોય ! રાજા આવે તોય આંગણું કેટલું સાફ કરે છે ! અનંત અનંત સિદ્ધોને હું વંદન કરું છું એટલે કે એ સિવાય રાગનો, અલ્પજ્ઞતાનો, નિમિત્તનો આદર દૃષ્ટિમાંથી હું છોડી દઉં છું. અમારા આંગણાં ઉજળા કર્યાં છે પ્રભુ ! આપ પધારોને ! પોતાની જ્ઞાનકળાની પ્રગટ દશામાં અનંત સિદ્ધોને સ્થાપે છે કે આવો પ્રભુ ! નિર્વિકલ્પ પર્યાયમાં પ્રગટ થાઓ, આવો.—એવી જેની દૃષ્ટિ થઈ છે તે અનંતા સિદ્ધોને પોતાની પર્યાયના આંગણે પધરાવે છે અને તેણે ભગવાનને નમસ્કાર કર્યાં કહેવામાં આવે છે.
—પૂજ્ય ગુરુદેવશ્રી