________________
પ્રવચન-૭૪ ]
[ ૧૦૧ બળી રહ્યો છે. સુખ ખરેખર ક્યાં છે તેની ખબર નથી તેથી દુઃખના નિમિત્તોમાં જ સુખ માટે ઝાંવા નાખ્યા કરે છે. તે બધા મહાઅગ્નિથી દુઃખી છે.
જેની પાસે તપ એટલે ઇચ્છાના નિરોધરૂપ ભાવ અને આનંદ શાંતિ આદિ ભાવ પ્રગટ થયા છે તેની પાસે તારૂપી ધન છે. માટે એવા મુનિને તપોધન કહેવાય છે. ઇચ્છાનો નિરોધ અને અનિચ્છા સ્વરૂપ અતીન્દ્રિય આનંદનું પ્રગટવું તે તપરૂપી ધન છે. આ 'ધનમાં અનંત આનંદની લક્ષ્મી રહેલી છે. બહારથી ભલે તે તપોધનનું શરીર કાળું હોય, કાંકરામાં બેઠા હોય બાવળના ઝાડ નીચે પણ તેની પાસે તપનું ધન છે. મોરપીંછી આદિ ઉપકરણ મુનિ પાસે હોય પણ તેનો ઉપયોગ કાંઈ કાકરાં દૂર કરવા માટે મુનિ ન કરે. જીવાંત આદિને દૂર કરવા માટે જ તેનો ઉપયોગ કરે. બહારથી જુઓ તો મુનિ આવા દેખાતા હોય પણ અંદરમાં અતીન્દ્રિય આનંદમાં મશગૂલ છે. માટે મુનિ સુખી છે. અંદરમાં આત્માની જતના કરીને મુનિ બેઠા છે અને બહારમાં જીવોની જતના મોરપીંછી આદિ વડે કરીને મુનિ બેસે છે.
આગળ કહેશે કે મુનિના મનમાં ભગવાન વસે છે. રાગ, દ્વેષ અને સંયોગ મુનિના મનમાં નથી.
શ્રોતા આ વાત મનમાં વસાવવી બહુ મુશ્કેલ લાગે છે.
પૂજ્ય ગુરુદેવશ્રી :–આ અભ્યાસ નથી અને અણઅભ્યાસ ઘણો છે તેથી મુશ્કેલ લાગે છે. બાકી ઘરની ચીજને મેળવવામાં મુશ્કેલી શું હોય ! બીજાની ચીજ મેળવવી હોય તો મુશ્કેલ છે, પોતાની વસ્તુની પ્રાપ્તિ પોતાને મુશ્કેલ ન હોય પણ જીવને આ અભ્યાસ નથી અને આ અભ્યાસ કરવા જેવો છે એવી કિંમત પણ આવી નથી તેથી મુશ્કેલ લાગે છે. અનાદિકાળથી બહારમાં ને બહારમાં રોકાઈ ગયો છે. જગતને રાજી કરવામાં અને જગતથી રાજી થવામાં રોકાઈ રહ્યો છે.
અતીન્દ્રિય આનંદસ્વરૂપ આત્માનું પ્રથમ તો સમ્યકશ્રદ્ધાન અને જ્ઞાન થાય અને તેના અનુભવની લાલચ લાગે....એકવાર આનંદનો અનુભવ થાય એટલે એ અનુભવ જ તેને સ્થિરતામાં ખેંચે છે. વાત બહુ મોટી લાગે પણ વસ્તુ પોતે આવી જ છે. પ્રભુ! તું માન કે ન માન પણ મોટો આનંદનો કંદ તું પોતે જ છો. આવડો મોટો થઈને તું એક સામાન્ય શુભરાગથી તારી મોટપ માને છે અને મનાવે છો ! મેં દયા પાળી, મેં ભક્તિ કરી, મેં પૂજા કરી એવી પ્રસિદ્ધિ કરવી છે તેને આત્માની પ્રસિદ્ધિ કયાંથી થાય? ભગવાન આત્માની પ્રસિદ્ધિ રાગ દ્વારા ન થાય. રાગરહિત થઈને દૃષ્ટિ કરે તો ભગવાન આત્મા પર્યાયમાં પ્રસિદ્ધ થાય. જે હું છું તેમાં જ રહેવું છે આ વાત તો સહજ શ્રદ્ધા-જ્ઞાનમાં આવી જાય તેવી છે.