________________
૪૯ ]
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો
અનંતગુણ ભરેલાં છે. તેના આશ્રય વિના સ્વર્ગના દેવને પણ સુખ નથી. અર્ધલોકના સ્વામી શકેન્દ્રની નીચે ૩૨ લાખ તો વિમાન છે પણ તે સુખી નથી, દુ:ખી છે. કેમ ? કેમ કે ‘પરાધીન સ્વપ્નેય સુખ ન હોય.' પરપદાર્થના આશ્રયે કલ્પના ઉઠે છે તેમાં કદી સુખ હોય જ નહિ. તે ઇન્દ્રને સુખ તો છે, તે શેનું છે ? કે તેને સમ્યગ્દર્શન છે તેથી જેટલો આત્માનો આશ્રય છે તેટલું સુખ છે પણ ઇન્દ્રપદ તો પરને આધીન છે તેથી ઇન્દ્રપદમાં તેને સુખ નથી—પદવીજનિત સુખ નથી.
સંયોગથી કોઈ સુખી નથી. પૈસાથી લોકો સુખી માને છે પણ ખાધીલાને સંતોષનું સુખ પણ ક્યાં છે ! પોતાને પાંચ લાખ હોય અને બીજાંને પચાસ લાખ હોય તો પોતાને ૪૫ લાખની ખાધ દેખાય છે ત્યાં સુખ તો ક્યાંથી વેદાય ! ભગવાન આત્મામાં તો કદી ખાધ જ નથી, તેમાં કદી ખોટ આવતી જ નથી માટે તેના આશ્રયે સદાય સુખ છે. માટે કહ્યું કે ત્રણલોકના સ્વામી ઇન્દ્ર પાસે પણ જે સુખ નથી એવું સુખ આત્માના અનુભવમાં છે.
આ કારણે સારાંશ એ નીકળ્યો કે ‘શિવ' નામવાળો જે નિજશુદ્ધાત્મા છે તેનું રાગ-દ્વેષ-મોહનો ત્યાગ કરી ધ્યાન કરવામાં આવે તો નિજશુદ્ધાત્મા આકુળતારહિત પરમસુખ આપે છે. ‘શિવ' નામનો બીજો કોઈ પરમેશ્વર આ જીવને સુખ આપતો નથી.
સંસારી જીવોને જે ઇન્દ્રિયજનિત સુખ છે તે આકુળતારૂપ છે. કારણ કે ઇન્દ્રિયના ભોગ, આબરૂ, કીર્તિ બધામાં વિકલ્પ છે, આકુળતા જ છે. તેમાં સુખનું વેદન નથી. આત્મીક અતીન્દ્રિયસુખમાં આકુળતા હોતી નથી. તે સુખ તો ધ્યાનથી જ પ્રાપ્ત થાય છે. બહારની ચિંતાને સમેટી અંદરમાં એકાગ્ર થાય ત્યાં ધ્યાનમાં જ આનંદ અને શાંતિ છે. તેમાં જે સુખ મળે છે તે કોઈ બ્રહ્મા, વિષ્ણુ કે મહેશ નામના પુરુષો આપતાં નથી. આત્મા પોતે જ ‘શિવ' ‘વિષ્ણુ' ‘બ્રહ્મા' ‘મહેશ' જે કહો તે પોતે જ છે.
આત્મા પોતે જ કલ્યાણનો કરનારો હોવાથી ‘શિવ' છે. આત્મા પોતે બ્રહ્માનંદસ્વરૂપ હોવાથી ‘બ્રહ્મા' છે. આત્મા બધાંને જાણવાની તાકાતવાળો હોવાથી પોતે જ ‘વિષ્ણુ' છે. અનંતગુણનો ધણી પોતે જ છે તેનું તું એક ક્ષણ તો ધ્યાન કર ! ધ્યાન કરીશ તો જે આનંદ આવશે તે આનંદ બીજે ક્યાંયથી નહિ આવે. માટે પોતાનું પરમાત્મસ્વરૂપ જ આરાધવાયોગ્ય છે, બીજું કાંઈ આરાધવાયોગ્ય નથી.
*
*