________________
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો પડશે કારણ કે એ તો બધું ધૂળ-માટી-પુદ્ગલ છે અને તું તો જીવતત્ત્વ છો.
ત્રિલોકીનાથ પરમાત્મા કહે છે કે જેને આત્માની ઋદ્ધિનો ભાગ જોઈ તો હોય એટલે કે આત્માના પરમાત્મસ્વરૂપની શ્રદ્ધા અને જ્ઞાન જેને કરવા હોય—પ્રથમમાં પ્રથમ સમ્યગ્દર્શનરૂપ ધર્મ પ્રગટ કરવો હોય તેણે શું કરવું?–કે સંયોગમાં આવેલી બધી બાહ્ય ચીજોનું અભિમાન પહેલાં જ છોડી દેવું. શુભ-અશુભરાગ પણ જીવનું સ્વરૂપ નથી અને અલ્પ અંશે પર્યાયમાં વિકાસ દેખાય છે એટલો પણ તું નથી તો સંયોગી ચીજને મારી માનીને અભિમાન કરવાનું તો ક્યાં રહ્યું ! તું તો અનંત જ્ઞાન આનંદનો ઘણી છો.
આગળ પીપરનો દાખલો આપ્યો તે મુજબ અંદરમાં રહેલી પૂરી તીખાશ અને લીલો રંગ જ પીપરનું સ્વરૂપ છે તેમ શરીર, વાણી, મન, કર્મ, રાગ અને વિકલ્પથી પાર અંદરમાં રહેલો ગુણોનો પૂરો વૈભવ એ જીવનું અસલી સ્વરૂપ છે. વીતરાગદેવ કહે છે કે અનંત ચતુષ્ટયરૂપ પરમસ્વરૂપે રહેલો તું પરમાત્મા છો. તેની દૃષ્ટિ તારે કરવી હોય તો પહેલાં જ આ ઋદ્ધિનો ગર્વ છોડી દે. બધાંને મારા...મારા માનવા છોડી દે. જે તારા હોય તે તારાથી જુદાં ન હોય. જે જુદા છે તે તારા કેમ હોય !
કોઈને ધાતુઓને ભસ્મ કરવાની રસાયણવિદ્યા આવડતી હોય તો તેનો ગર્વ હોય, કોઈને પોતે નવરસને જાણતો હોય તેનું અભિમાન હોય કે મને તો શુગારરસ બહુ સરસ આવડે, મને અસદ્દભુતરસ આવડે એવા અભિમાન બધા છોડવા પડશે કારણ કે આવા મદ છોડ્યા વિના નિર્માની ભગવાન આત્માના દર્શન થઈ શકતા નથી.
કવિ, કળાનો મદ પણ છોડી દે ! આત્મામાં એવી કળા ન હોય. સર્વજ્ઞ પરમેશ્વર કેવળજ્ઞાની ભગવાને તારી ચીજને અનંત બેહદ જ્ઞાન અને આનંદવાળો જોઈ છે. એવી વસ્તુને જોવી હોય તો બહારના બધા અભિમાન છોડવા પડશે. એ વગર ભગવાન આત્માના શ્રદ્ધા, જ્ઞાન અને અનુભવ થઈ શકશે નહિ.
ત્રદ્ધિ આદિના મદ છોડાવીને હવે કહે છે વાદવિવાદમાં જીતી જાય એવા શાસ્ત્રજ્ઞાનનો મદ પણ છોડવો પડશે. કારખાના ચલાવવાની હોંશિયારી હોય છે તેના મદ તો છોડાવ્યા પણ વાત-વાતમાં પોતાની અધિકાઈ રાખવાનો મદ હોય છે, બોલચાલમાં બીજાં કરતાં હું કાંઈક અધિક છું એવું દેખાડવાનો ભવ હોય છે એવા મદમાં જીવ મરી જાય છે તેને કહે છે કે હવે એ બધું મૂકી દે, અંદરમાં અનંત જ્ઞાન અને અતીન્દ્રિય આનંદથી આત્મા ભરેલો છે તેમાંથી જ કેવળજ્ઞાન અને કેવળદર્શન આદિ પ્રગટ થવાના છે. બહારની કળા-ચાતુરીથી કાંઈ મળવાનું નથી માટે અજ્ઞાનને કારણે માની લીધેલી બધી મોટાઈના અભિમાન છોડવા પડશે. વાદવિવાદમાં જીતવાનો મદ રહેશે ત્યાં સુધી ભગવાન આત્મા શ્રદ્ધા-જ્ઞાનમાં નહિ આવે.