________________
પૂર્વ મહાપુરુષોનો પ્રશ્ન
AEAEAEACASASA
(પ્રવચન નં. ૮)
चतुर्गतिदुःखैः तप्तानां यः परमात्मा कश्चित् । चतुर्गतिदुःखविनाशकरः कथय प्रसादेन तमपि ॥१०॥
શ્રી પરમાત્મપ્રકાશની પ્રથમ અધિકારની આ ૧૦મી ગાથા ચાલે છે. શિષ્ય પ્રભાકર ભટ્ટ પોતાનો પરમાત્મસ્વભાવ સમજવાની અભિલાષાવાળો પ્રશ્ન કરે છે.
અનાદિથી અજ્ઞાની જીવ પોતાના પરમાત્મસ્વભાવના અલાભને કારણે સંસારમાં ભટકી રહ્યો છે. તેને બીજી બાહ્ય સામગ્રી અને પુણ્ય-પાપભાવની સામગ્રી તો અનંતવાર મળી પણ એક નિજ આત્મા જે કેવળજ્ઞાનનો કંદ છે તેનો અલાભ રહ્યો છે તેથી શિષ્ય કહે છે પ્રભુ ! મને અનાદિથી પરમાત્મસ્વભાવનો અલાભ છે, તેથી હું દુ:ખી છું, માટે મને મારો પરમાત્મસ્વભાવ સમજાવો.
જુઓ ! આ જિજ્ઞાસુની ધગશ ! પહેલાં જ પ્રશ્નમાં શિષ્ય આવો ભાવ રજૂ કરે છે. પોતાનો સ્વભાવ પરમાત્મસ્વરૂપ છે, એમ વિશ્વાસ કરીને પછી શિષ્ય પ્રશ્ન કરે છે કે તે સ્વભાવ મને સમજાવો કે જેના અલાભમાં જેના વિરહમાં હું અનાદિકાળથી ભટકી રહ્યો છું. ચોરાશીના અવતારમાં હું અનંતકાળથી પિલાણો અને દુઃખી થયો. સ્વભાવભાવના વિરહમાં થતાં આસ્રવભાવના ફળમાં તો આ બધાં સંયોગો મળે છે જે મને દુઃખરૂપ છે. એવી દુઃખરૂપ દશાથી છૂટવાનો ઉપાય મને બતાવો.
જુઓ ! આ શિષ્યના પ્રશ્નમાં પરમાત્મસ્વભાવની ધગશ રહેલી છે. પરમાત્મા એટલે કોણ ? કે જેને જોવાથી આનંદ થાય, જેને મળવાથી શાંતિ અને સુખ થાય અને જેને ભેટવાથી પરમાત્માના ભેટા થાય એવો આ પરમાત્મસ્વભાવ છે. તે કેવો છે એ વાત પ્રભાકર ભટ્ટ સાંભળવા માગે છે.
શિષ્યને ખબર છે કે ચારગતિમાં પોતે કેવો દુ:ખી થયો છે. જેમ ધગધગતાં તાવડામાં કીડી પડે અને કેવી તરફડીને શેકાય જાય તેમ આ દરેક જીવ ચારગતિના દુઃખમાં તપ્તાયમાન થઈ દુઃખી દુઃખી થઈ રહ્યો છે. શુભ-અશુભભાવની આકુળતામાં અજ્ઞાની જીવ બળી–જળી રહ્યો છે. આ બધી આકુળતાનો નાશ કરનાર આનંદકંદ પરમાત્મસ્વભાવ અજ્ઞાનીની નજરની બહાર રહી ગયો છે.