________________
૩૯૬ ]
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપે પરિણમતો આત્મા જ મોક્ષનો માર્ગ છે કોઈ બીજો મોક્ષનો માર્ગ નથી. કોઈ રાગાદિભાવ મોક્ષના સાધન નથી પણ અહીં ટીકાકાર સાધન તરીકે તેનું નિમિત્તપણું બતાવે છે. જેમ, ૧૭૨ ગાથામાં વીતરાગભાવને જ તાત્પર્ય કહ્યું છે છતાં અમૃતચંદ્રાચાર્યે વ્યવહારરત્નત્રયના વિકલ્પને અવિરોધપણે જેમ છે તેમ બતાવેલ છે તેમ અહીં પણ વ્યવહારરત્નત્રયને નિમિત્તસાધન તરીકે કહેલ છે. આ બધી શૈલી સમયસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાય અને તેની અલૌકિક ટીકા જેવી જ શૈલી છે. આ આચાર્યો બધાં આત્મા હતાં, કોઈ પરમાત્મા ન હતાં. તેથી તેમને આવી શાસ્ત્રરચનાનો વિકલ્પ હતો પણ કહે છે કે તે વિકલ્પ અને પુદ્ગલના શબ્દોની રચના થઈ તે અમારું કાર્ય નથી. અમે વિકલ્પમાં આવ્યા નથી. અમે તો અમારાં શ્રદ્ધા, જ્ઞાન અને શાંતિની રચનામાં આવ્યા છીએ.
અરે ! મૂળ વાત તો એ છે કે શુદ્ધ આત્મપદાર્થ કેવો છે એની એને ખબર જ નથી. એ તો કોઈ સાધારણ ચીજ છે એમ માની લીધું છે. તેથી તેની એને કિંમત આવતી નથી. જડ એવા હીરાની કિંમત આવે છે. ચાર-છ લાખનો હીરો જોઈને ‘આહાહા....' થઈ જાય છે પણ કિંમત આંકનારની કિંમત આવતી નથી. હીરાને તો ટગ....ટગ જોયા કરશે. પણ આ ત્રણકાળ ત્રણલોકને એક સમયમાં જાણી લે એવા આત્માની સામે નજર પણ કરતો નથી.
ભાવાર્થ :—પાંચ ઇન્દ્રિય અને મનને રોકવું તથા છકાયજીવોની દયા પાળવી એવો ઇન્દ્રિયસંયમ તથા પ્રાણસંયમ આ બંનેના બળથી સાધ્યસાધકભાવથી નિશ્ચયથી પોતાના શુદ્ધાત્મસ્વરૂપમાં સ્થિર હોવાથી આત્માને સંયમ કહેવામાં આવ્યો છે. પાંચ ઇન્દ્રિય અને મનને સંયમમાં રાખવા તે વિકલ્પ છે પણ વ્યવહારથી તે સંયમના બળથી નિશ્ચયસંયમમાં જીવ આવે છે એમ કહેવાય છે. પાંચ ઇન્દ્રિયોનો સંયમ, મનનો સંયમ અને છકાય જીવોની દયાસ્વરૂપ શુભરાગરૂપ સંયમ એ સાધક છે અને શુદ્ધાત્મસ્વરૂપમાં સ્થિર થવું સાધ્ય છે. ખરેખર તો આત્માના અતીન્દ્રિય શાંતસ્વરૂપમાં સ્થિર થવું તે જ નિશ્ચયસંયમ છે.
ભૂમિકાના પ્રમાણમાં પાંચ ઇન્દ્રિય અને મનનો અસંયમ તથા છકાયજીવોની હિંસારૂપ અસંયમ આ બાર પ્રકારના અસંયમના ત્યાગનો શુભ વિકલ્પ આવ્યા વિના રહેતો નથી. તે વ્યવહારસંયમ છે અને તે વિકલ્પથી પણ ખસીને સમ્યક્ પ્રકારે અતીન્દ્રિય આનંદની મૂર્તિમાં પરિણમન થાય છે તે નિશ્ચયસંયમ છે. પોતે તો પોતાના શુદ્ધ ઉપાદાનના બળથી જ પરિણમી રહ્યો છે. સમ્યક્ પ્રકારે અતીન્દ્રિય આત્માનું અવલંબન અને ઇન્દ્રિયનું દમન તે સંયમ છે. પણ તેની સાથે જે પાંચઇન્દ્રિયનું અવલંબન છોડવાનો અને છકાય જીવોની રક્ષાનો જે વિકલ્પ હતો તેને સાધક અથવા નિમિત્ત સાધન કહેવામાં આવે છે.
નિશ્ચય અને વ્યવહાર બંને સાથે હોય છે. નિશ્ચયસંયમ ઘણો આગળ વધી ગયો હોય અને વ્યવહારસંયમ ઓછો હોય એમ કદી બનતું નથી. નિશ્ચયસંયમને અનુરૂપ જ વ્યવહારસંયમ હોય છે તેથી તેને વ્યવહાર સાધક ગણીને નિમિત્ત કહેવામાં આવ્યો છે.