________________
૩૪o )
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો કોઈનો તેમને સાથ જતો નથી. જેમ મડદાં સાથે ઠાઠડીમાં બીજાના સાથની જરૂર નથી તેમ મુનિને કોઈના સાથની અપેક્ષા નથી. મુનિએ શ્રદ્ધા, જ્ઞાનમાં આનંદની રેલમછેલ અનુભવી છે તેને સાધવા નીકળ્યાં છે ત્યાં આખી દુનિયાની ઉપેક્ષા છે અને એક આત્માની અપેક્ષા છે. આવી ચારિત્ર સહિત વિતરાગતા ધ્યાવવા યોગ્ય છે.
આ જ અભિપ્રાયવાળી ગાથા કુંદકુંદ આચાર્યે મોક્ષપાહુડમાં સમ્યકત્વનું લક્ષણ બતાવતાં લખી છે.
सद्दव्वरओ सवणो सम्मादिट्ठी हवेइ णियमेण ।
सम्मत्तपरिणदो उण खवेइ दुट्ठकम्माइं ॥ અર્થ :- આત્મસ્વરૂપમાં મગ્ન થયેલ જે યતિ તે નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ છે. તે જ સમ્યગ્દષ્ટિ પછી સમ્યકત્વરૂપ પરિણમતો થકો દુષ્ટ આઠ કર્મોનો ક્ષય કરે છે. સવMI એટલે દિગંબરમુનિ કે જેને શરીર ઉપર એક વસ્ત્રનો ધાગો નથી, શરીર ઉપર શણગાર નથી, માતાએ જન્મેલા પુત્ર જેવું નગ્ન દિગંબરરૂપ છે અને અંદરમાં આત્મસ્વરૂપમાં રમણતા અને મગ્નતા છે, વિકલ્પની મગ્નતા છૂટી ગઈ છે એવા ઉત્કૃષ્ટ મુનિની વાત અહીં લીધી છે. આ તો મોક્ષપાહુડની ગાથા છે ને ! તેમાં ઉત્કૃષ્ટ ચારિત્રવત મુનિ જ મોક્ષ પામે, તેને જ આઠ કર્મો ક્ષય થાય એ બતાવવું છે. જેને બાહ્યમાં ક્યાંય મગ્નતા ન હોય, અંતરમાં સમ્યગ્દર્શન, જ્ઞાન પૂર્વક ચારિત્રમાં મગ્નતા હોય એવા મુનિને જ મુક્તિ હોય. જેને બાહ્યમાં વસ્ત્ર-પાત્રાદિનો સંયોગ હોય અને મુનિપણું ધરાવતાં હોય તેને અંતરમાં આત્મામાં મગ્નતા ન હોય, તને તો સમકિત પણ ન હોય, ગૃહસ્થાશ્રમમાં રહીને સમકિત પામી શકે છે પણ વસ્ત્ર-પાત્ર સહિત મુનિપણું માને તેને સમકિત પણ હોય નહિ તો મુનિપણું તો ક્યાંથી હોય ! સાચા ભાવલિંગી મુનિને તો તેની દશાને યોગ્ય અકષાય પરિણતિ થઈ ગઈ હોય છે તેથી બાહ્યમાં નગ્નદશા સહજ થઈ જાય છે.
આવા ભાવલિંગી મુનિ સ્વદ્રવ્યમાં રત હોય છે. સમ્યગ્દષ્ટિ સ્વદ્રવ્યમાં લીન છે પણ મુનિ જેટલી લીનતા સમ્યગ્દષ્ટિને હોતી નથી. પોતાના સ્વરૂપની નિશ્ચયર્દષ્ટિ સહિત, સ્વરૂપના નિશ્ચયજ્ઞાન સહિત, સ્વરૂપની ઉગ્ર લીનતામાં મગ્ન છે એવા શ્રમણ જ અલ્પકાળમાં મુક્તિને પામે છે.
અહો ! મુનિપદ ત્રણેય કાળ અને ત્રણેલોકમાં એવું જ હોય કે મુનિ સ્વદ્રવ્યમાં લીન હોય. મુનિને વસ્ત્ર-પાત્રનો સંયોગ હોય જ નહિ. વસ્ત્ર-પાત્ર સહિત સાધુપણું મનાવે છે તેને સ્વદ્રવ્યની દૃષ્ટિ જ નથી, સ્વદ્રવ્યના સ્વરૂપની ખબર જ નથી તો સ્વદ્રવ્યમાં લીનતારૂપ મુનિપણું તેને હોય ! સ્વરૂપમાં લીન મુનિને વસ્ત્ર-પાત્રવાળી દશા હોય જ નહિ. તેને તો સહજ દિગંબર દશા જ થઈ જાય છે, કરવી પડતી નથી. છતાં નગ્નપણું એ મુનિપણું નથી. ત્રણકષાયનો અભાવ અને સ્વદ્રવ્યમાં લીનતા તે મુનિપણું છે.