________________
૩૩૦ ]
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો
આવા આત્માનું ધ્યાન કરવાથી શું થશે? આત્મા ચોરાશીના અવતારથી મુક્ત છે એવા આત્માનું ધ્યાન કરવાથી તું ચોરાશીના અવતારથી મુક્ત થઈ જઈશ. દેહમાં ફેરફાર થતાં આ મને થાય છે એવી દૃષ્ટિ છે તે જ મિથ્યા દૃષ્ટિ છે. માટે પ્રથમ જ એ મિથ્યા દૃષ્ટિ ત્યાગીને ભવરહિત નિજ ભગવાનનું લક્ષ કરવાનું છે. સમતા આદિના ભાવ તો પછી થશે પણ પહેલાં જ દૃષ્ટિ સુધારવાની જરૂર છે. સહન કરવાની શક્તિ ન હોય તો દેહમાં રોગ થતાં રાગમાં દુઃખ થાય એ જુદી વાત છે પણ આ રોગ મને થઈ ગયો એવી મમતા થાય એ દૃષ્ટિની વિપરીતતા છે.
જ્ઞાનાનંદ-ચિદાનંદ સ્વભાવની દૃષ્ટિ કર ! તેને જો ! અને તેમાં ઠર ! આ એક જ દુઃખથી છૂટવાનો ઉપાય છે. મૂળ વાત એ છે કે અજ્ઞાનીને પોતાની ઊંધી માન્યતા છોડવી નથી, શરીરાદિમાં એકતાબુદ્ધિ રાખીને કાંઈક ધર્મ કરવો છે.
પરમાં છેદન-ભેદન કે નાશ થતાં જીવને પોતાનું છેદન-ભેદન થયું લાગે છે એ એની માન્યતામાં ભ્રમ છે. તે છોડાવવા અહીં કહે છે કે ‘હું તો જ્ઞાન ને આનંદ છું, એવી દૃષ્ટિ કર ! મારામાં રાગ પણ નથી તો શરીર તો મારામાં ક્યાંથી આવે ! એમ સમજીને બે ટુકડા—ભેદશાન કર તો તારી મિથ્યાબુદ્ધિ છૂટી જશે. મિથ્યાબુદ્ધિ ગયા પછી ચારિત્રની નબળાઈ વશ રોગાદિ થતાં સહનશીલતા ન હોય તો દ્વેષ થાય-અણગમો થાય પણ એ જાણશે કે શરીર અને દ્વેષ મારામાં નથી. હું શરીર અને વિકારથી રહિત જ્ઞાનાનંદ-ચિદાનંદમૂર્તિ છું.
સર્વજ્ઞ વીતરાગ પરમાત્માએ આ આત્માને શરીર, કર્મ અને રાગથી ભિન્ન જ્ઞાનાનંદસ્વરૂપે જોયો છે, જાણ્યો છે અને એવો જ કહ્યો છે. પણ આ જીવ તો પોતાને શરીરરૂપ માનીને શરીરમાં છેદન, ભેદન, રોગ, મરણ આદિ થતાં આ મને થયું એમ માને છે એ જ એની મૂઢતા છે–ભ્રમણા છે. તેનાથી જ એ દુઃખી થાય છે. તેથી તેનું દુઃખ દૂર કરવા અને સુખી થવા માટે શ્રીગુરુ ઉપદેશ આપે છે કે તું તારો શુદ્ધાત્મા કે જે પોતે જ પરમ સ્વરૂપ છે તેનું લક્ષ કર, પ્રતીત કર અને તેમાં ઠર તો તું ભવતીર પામી જઈશ. બીજો કોઈ સુખી થવાનો ઉપાય નથી.
દેહના છેદન આદિ કાર્ય થાય છે એ તો જડ રજકણોમાં થાય છે, મારું છેદન-ભેદન થતું જ નથી એમ જાણીને જે રાગ-દ્વેષાદિ વિકલ્પને કરતાં નથી તે નિર્વિકલ્પભાવને પ્રાપ્ત થયાં થકાં શુદ્ધાત્માને ધ્યાવે છે તે થોડાં જ સમયમાં મોક્ષ પ્રાપ્ત કરે છે.
આ આત્મા...આ આત્મા...આ આત્મા એમ આત્માની રાગ રહિત નિર્વિકલ્પદૃષ્ટિ થાય ત્યારે આત્માની ખરી પ્રતીત થાય છે. ત્યારે જ તેને રાગની એકતાબુદ્ધિ તૂટીને સ્વભાવની એકતા થાય છે. નિર્વિકલ્પભાવને પ્રાપ્ત થાય છે એટલે કે પરમાનંદમૂર્તિ શુદ્ધાત્માની દૃષ્ટિ થાય તે નિર્વિકલ્પદૃષ્ટિ જ હોય, એ દૃષ્ટિપૂર્વક તે શુદ્ધાત્માને ધ્યાવે છે અર્થાત્ અંતરમાં એકાગ્ર થઈને શુદ્ધાત્માને અનુભવે છે. આવી નિર્વિકલ્પદૃષ્ટિ થાય ત્યારે જ તેને રાગની