________________
પ્રવચન-૩૭ ]
| ૨૨૩
આત્મા રાગપણે, ભવપણે, મુક્ત અવસ્થાપણે વિગેરે....દશાપણે ઉપજે છે. પર્યાય કહો, દશા, હાલત કે અવસ્થા કહો તે બધું એક જ છે. પર્યાયપણે જોઈએ તો નરનાકાદિ પર્યાયપણે ઉપજે છે અને નાશ પામે છે. નર–નારક શરીરપણે નહિ પણ તે જાતના ઉદયભાવપણે પોતે ઉપજે છે અને વિણસે છે પણ વસ્તુદૃષ્ટિએ તે જ વખતે આત્મા ધ્રુવ છે, ઉપજતો કે નાશ પામતો નથી.
લ્યો, હવે આનાથી વધારે કેટલું સહેલું કરીને કહેવું ! બહેનોને પણ આ તો સમજાય તેવું છે. બહેનો કોઈ નથી, અહીં તો બધાં આત્મા છે.
વસ્તુ પોતે ઉપજતી નથી અને નાશ પામતી નથી. ઉપજવું અને વિણસવું તો પર્યાયમાં થાય છે. આ સાંભળીને હવે શિષ્યને પ્રશ્ન થાય છે કે સંસારીજીવોને તો નર–નારક આદિ પર્યાયની અપેક્ષાએ ઉપજવું અને મરવું પ્રત્યક્ષ દેખાય છે પરંતુ સિદ્ધોને ઉત્પાદ્-વ્યય કેવી રીતે થાય છે? કેમ કે, તેમને વિભાવ પર્યાય તો નથી માત્ર સ્વભાવપર્યાય છે અને સિદ્ધો તો સદા અખંડ અને અવિનશ્વર છે.
સંસારીજીવ શુદ્ધ ચિદાનંદને ભૂલીને અજ્ઞાનભાવે જે જે ભવ મળે તેમાં હું ઉપજ્યો અને હું નાશ પામ્યો એમ માને છે પણ તેમાં જે મનુષ્ય, દેવાદિમાં શરીર મળે છે તે કાંઈ મનુષ્ય કે દેવ નથી તે તો જડ-માટી-ધૂળ છે. પણ મનુષ્યની યોગ્યતાવાળા ઉદયભાવમાં પોતાને જ મનુષ્ય માની લે છે અને દેવની યોગ્યતાવાળા ભાવમાં પોતાને દેવ માની લે છે અને તેનો નાશ થતાં પોતાનો નાશ માને છે. તે તેનું ભવમાં ઉપજવું અને વિણસવું થયું. દેહના ઉત્પાદ્-વ્યયની વાત નથી.
મનુષ્યભવમાં આત્માનું હિત કરી લેવા જેવું છે એમ કહ્યું છે એટલે મનુષ્યની યોગ્યતાવાળા ભાવમાં આત્માનું હિત કરી લેવા જેવું છે. દેહ તો માત્ર નિમિત્ત છે તેનાથી કાંઈ આત્માનું હિત ન થાય. પણ અરે, એને અજ્ઞાનદશામાં આ દેહથી મારી પર્યાય તો ભિન્ન છે એનું પણ ભાન નથી. દ્રવ્ય તો દેહરૂપ નથી પણ પર્યાય પણ દેહરૂપ નથી. જે જે ગતિનું કર્મ જીવ બાંધે છે તેનું ફળ શરીરમાં આવતું નથી. કર્મના ઉદયનું ફળ જીવની પર્યાયની યોગ્યતામાં આવે છે.
ભગવાન આત્મા નિત્ય, ધ્રુવ શુદ્ધ ચિદાનંદની મૂર્તિ હોવા છતાં તેને ભૂલીને દશામાં ભવ અને ભવનો ભાવ અને અભાવ થયા કરે છે. દેહને તો ભવ પણ નથી અને ભવનો અભાવ પણ નથી. મનુષ્ય આદિ ભવ જીવની અવસ્થામાં છે. બાકી ભવ દેહને પણ ન હોય અને ધ્રુવ જીવને પણ ન હોય. ‘હું મનુષ્ય છું' એવી યોગ્યતા જીવની પર્યાયમાં છે, ધ્રુવમાં નથી તેમ દેહમાં પણ નથી. એ યોગ્યતાનો નાશ થઈને ‘હું દેવ છું' એવી યોગ્યતા પર્યાયમાં ઊભી થાય છે. ધ્રુવમાં કે દેવના દેહમાં એવી યોગ્યતા નથી.