________________
પ્રવચન-૩૩ /
[ ૧૯૫ અહીં કોઈ પ્રશ્ન કરે છે કે જ્ઞાન જો વ્યવહારનયથી લોકાલોકને જાણે છે, નિશ્ચયથી નહિ એમ આપ કહો છો તો, વ્યવહારથી સર્વશપણું થયું, નિશ્ચયથી તો સર્વજ્ઞપણું ન થયું? શ્રી સમયસારની શ્રી જયસેન આચાર્યની ટીકામાં ૪૬૬ પાના ઉપર આ જ પ્રશ્ન કરેલો છે.
આ ધર્મકથા ચાલે છે હો ! ધર્મ એટલે વસ્તુનો સ્વભાવ. વસ્તુના સ્વભાવમાં કેટલું સામર્થ્ય છે અને તે પ્રગટ થાય ત્યારે કેવી રીતે અને કેટલું પ્રગટ થાય, પરને વ્યવહારથી જાણે અને પોતાને નિશ્ચયથી જાણે એ કેવી રીતે છે. આ બધું અહીં સ્પષ્ટ થાય છે. વ્યવહારથી ભગવાન લોકાલોકને જાણે છે માટે તે ખોટું છે એમ નથી, સાંભળ ભાઈ ! તારા પ્રશ્નનું ગુરુ સમાધાન કરે છે.
સમાધાન ભગવાન જેમ પોતાના આત્માને તન્મય થઈને જાણે છે તેમ પરદ્રવ્યને તન્મય થઈને જાણતા નથી. ભિન્ન સ્વરૂપે જાણે છે માટે વ્યવહારનયથી જાણે છે એમ કહ્યું છે, પણ જ્ઞાનનો જ અભાવ છે એમ કહેવું નથી. ભગવાન પોતાને તો પોતાના અસંખ્યપ્રદેશોમાં એકરૂપ રહીને જાણે છે અને પરને ભિન્ન રહીને જાણે છે એકરૂપ થતાં નથી માટે વ્યવહાર કહ્યો છે પણ જ્ઞાનથી જુઓ તો, નિજ અને પરનું જાણપણું તો સમાન છે. -
આ વાત પકડાય છે કે નહિ? દાખલો લ્યો. તીખું મરચું ખાતાં મોટું તીખું થઈ ગયું એમ કહે છે ને ! પણ ખરેખર મોટું તીખું થયું નથી, મોઢાની વર્તમાન પર્યાયમાં તીખાશ છે અને તે તીખાશનું જીવને જ્ઞાન થાય છે પણ જ્ઞાન તીખું થતું નથી. જ્ઞાન તીખાશને અડતું પણ નથી, જ્ઞાન તીખાશને અડે તો તો જ્ઞાન જડ થઈ જાય. જ્ઞાનનો તો જાણવાનો સ્વભાવ છે માટે જાણે છે. લીંબુની ખટાશને જ્ઞાન જ્ઞાનમાં રહીને ભિન્નપણે જાણે છે, જ્ઞાન ખાટું થઈને ખટાશને જાણતું નથી. ખાટાપણાને ભિન્ન રાખીને જ્ઞાન જાણવાનું કામ કરે છે.
જ્ઞાન જેમ પોતાને જાણે છે તેમ જ પરને જાણે છે, જાણવામાં કાંઈ ફેર નથી. માત્ર પરમાં તન્મય થતો નથી માટે તેને વ્યવહારથી જાણે છે એમ કહેવાય છે પણ લોકાલોક સંબંધીના જ્ઞાનનો જ અભાવ છે એમ કહ્યું નથી.
ભગવાન આત્મા ચૈતન્ય ચૈતન્ય સહજાત્મસ્વરૂપ છે. આવો ભગવાન આત્મા પરને જાણે તો છે. પણ ભિન્ન રાખીને જાણે છે જો ભિન્ન ન રાખે તો પરથી એક થઈ જાય અને તો તો પોતે જ જડ થઈ જાય અને જો જાણે જ નહિ તો તો પોતાનો સ્વ–પર–પ્રકાશક સ્વભાવ જ ન રહે. સ્વ–પરને જાણવું એવું એનું પોતાનું સ્વરૂપ છે માટે સ્વ અને પર સંબંધીનું જ્ઞાન તો સમાન છે માત્ર પરમાં તન્મય થતો નથી માટે વ્યવહારથી પરને જાણે છે એમ કહ્યું છે, આવું જ વસ્તુનું સ્વરૂપ છે તે તો પ્રત્યક્ષ છે પણ તેનો અજ્ઞાની કોઈ'દિ વિચાર જ કરતો નથી અને ઉલટાં નિરર્થક અને પોતે ગુંચવાઈ જાય એવા ઊંડા ઊંડા વિચારો કરે છે.