________________
પ્રવચન-૩૩ |
[ ૧૯૩
અડતો પણ નથી. જ્ઞાન પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને છોડીને શરીરના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં જતું નથી.
આ વાત સાકરના દૃષ્ટાંતથી લઈએ તો, એક સાકરનો ગાંગડો ઓગળવા માંડ્યો છે તે જ્ઞાનમાં જણાયો. તો શું સાકરનું ગળપણ જ્ઞાનમાં આવી ગયું છે ! સાકરનું ગળપણ તો તેના ક્ષેત્ર અને ભાવમાં રહ્યું છે તે કાંઈ જ્ઞાનના ક્ષેત્રમાં આવી જતું નથી. સાકરનું જ્ઞાન થાય છે તે કાંઈ સાકરને અડીને થતું નથી. સાકરનું અસ્તિત્વ સાકરમાં છે અને જ્ઞાનનું અસ્તિત્વ જ્ઞાનમાં છે. એક બીજાનાં ભાવ એકબીજામાં આવતાં નથી. જો ગળપણની ભાવદશા જ્ઞાનમાં આવે તો તો જ્ઞાન જડ થઈ જાય. સાકર અને તેના ગળપણ સંબંધીનું જ્ઞાન પોતામાં થાય છે એ અપેક્ષાએ જ્ઞાન સાકરમાં વ્યાપ્યું છે એમ કહેવાય પણ ખરેખર જ્ઞાન પોતાનું ક્ષેત્ર અને પોતાનું અસ્તિત્વ છોડીને સાકરમાં જતું નથી.
અહીં તો કહે છે કે, તું તારી હયાતીને કેવડી માને છે? જેવડો અને જેવો છો તેવો માને છે કે તેનાથી વધારે બીજા ક્ષેત્રમાં પણ તારી હયાતી માને છે ? જગતમાં પણ કોઈ પરની વસ્તુને જાણે ત્યાં તેને પોતાની માની લેતો નથી. માણેકચોકમાં જેટલી ઝવેરાત દેખાય તે બધીને પોતાની માની લેતો નથી. તેમ આત્મા પોતાના ક્ષેત્રમાં રહીને શરીર તથા રાગને જાણે છે પણ તે કાંઈ પોતાની ચીજ નથી. જ્ઞાન રાગ તથા શરીરને જાણે પણ રાગ અને શરીરમય થતું નથી.
તેમ, ભગવાનનું જ્ઞાન લોકાલોકને જાણે છે પણ, જ્ઞાન પોતાનું ક્ષેત્ર છોડીને લોકાલોકમાં ચાલ્યું જતું નથી. જ્ઞાન તો દેહપ્રમાણ પોતાના ક્ષેત્રમાં જ રહીને સર્વને જાણે છે. જ્ઞાનનું ક્ષેત્ર દેહપ્રમાણ હોવા છતાં દેહના ક્ષેત્રથી તેનું ક્ષેત્ર ભિન્ન છે. જ્ઞાનમય આત્મા અને તેના અનંત ગુણ–પર્યાય શરીર જેવડા પોતાના ક્ષેત્રમાં રહેલાં છે, દેહના ક્ષેત્રમાં નહિ. માટે જાણવાની અપેક્ષાએ ભગવાનનું જ્ઞાન સર્વગત છે પણ પ્રદેશોની અપેક્ષાએ સર્વગત નથી.
જીવનો સ્વભાવ સ્વ-પર-પ્રકાશક છે માટે ભગવાનનું જ્ઞાન પોતાના ક્ષેત્રમાં, પોતાના કાળે પોતાના ભાવમાં સર્વ પદ્રવ્યને જાણે છે પણ તે કોઈ પરદ્રવ્યની અપેક્ષા રાખતું નથી. જ્ઞાન પોતાનું ક્ષેત્ર, સ્વકાળ અને સ્વ ભાવનું સામર્થ્ય છોડીને, લોકાલોકને જાણવા લોકાલોકમાં પેસતું નથી. માત્ર, લોકાલોક સંબંધીનું જ્ઞાન હોવાથી લોકાલોકને જાણે છે એમ વ્યવહારથી કહેવાય છે. પણ નિશ્ચયથી જ્ઞાન પોતાનું અસંખ્યપ્રદેશી ક્ષેત્ર છોડીને લોકાલોકને જાણવા જતું નથી.
સાકરની મીઠાશનું જ્ઞાન થતાં જ્ઞાનમાં સાકરની મીઠી અવસ્થા આવી જતી નથી. જ્ઞાનની પર્યાય પોતાના ક્ષેત્રમાં રહીને સાકરની અવસ્થાને જાણી લે છે. સાકરનું ગળપણ તો જડ છે, તે કાંઈ જ્ઞાનમાં આવી જતું નથી કે જ્ઞાનને અડતું નથી. સદાય આવી સ્થિતિ છે. પરની અવસ્થા જ્ઞાનમાં આવી જતી નથી અને જ્ઞાનની અવસ્થા પરમાં જતી નથી.