________________
1xo )
[ ઘરમાત્મપ્રકાશ પ્રવચનો એક તરફ રામ અને એક તરફ ગામ છે. પણ એ રામ કેવો છે કે જેમ મોટું મોટું બધી ચીજોને કોળિયો કરી જાય છે તેમ કેવળજ્ઞાનમાં આખું લોકાલોક જાણે કોળિયો થઈ જાય છે. ભગવાન ! આવા મહિમાવંત સ્વભાવની દૃષ્ટિ કર. એ જ કરવાલાયક છે, બીજું કાંઈ કરવાલાયક નથી.
ચાર જ્ઞાન પણ જેની પાસે થોથાં જેવું તુચ્છ છે ત્યાં શાસ્ત્રના ભણતર, વિજ્ઞાનના ભણતર, કળા આદિના ભણતરની તો કિંમત જ કયાં રહી? માટે બધાંની કિંમત છોડ, તેની દૃષ્ટિ છોડ અને એક સ્વભાવની દૃષ્ટિ કર તેનું જ નામ સમ્યગ્દર્શન છે.
પરમાત્મા અનાદિનો છે ભાઈ! તું નવો થયો નથી. અનાદિનો આવો જ છો. જેવો બેહદ જ્ઞાનસ્વભાવ છે તેવો જ બેહદ-અનંત અનંત અમાપ અતીન્દ્રિય આનંદનો રસ તારા ધામમાં જામીને પડ્યો છે. પણ જીવને આવી વાત પણ સાંભળવા મળતી નથી. હું કોણ અને ક્યાં મારે નજર કરવી એ તેને ખબર નથી. તેને કહીએ છીએ કે ભાઈ ! તું પોતે વર્તમાનમાં જ્ઞાનાનંદ સ્વભાવી છો માટે આનંદમય જ્ઞાનભગવાનની દૃષ્ટિ કર, બાકી બધું તારા માટે હેય છે. પુણ્ય-પાપનો રાગ તો હેય છે જ પણ ચાર જ્ઞાનની પર્યાય પણ હેય છે. અંગીકાર કરવા લાયક નથી–ઉપાદેય નથી.
કોઈ છોકરાનો બાપ તેના માટે પાંચ-પચાસ કરોડ મૂકીને ગયો હોય તેને ખબર ન હોય, ટ્રસ્ટને સોપ્યાં હોય, એ જ્યાં છોકરો મોટો થાય અને ટ્રસ્ટ છોકરાને વાત કરે કે આ મૂડી તારી છે તો એ કેવો રાજી થાય ! તેમ આ સંતો તને કહે છે કે આ અનંત જ્ઞાન, આનંદનું નિધાન તારું છે, અમને ભગવાન સોંપી ગયા છે કે તારો આત્મા આવો છે એમ એને કહેજો. અમે તારી આ મૂડીના સાક્ષી છીએ. તું તેને સંભાળી લે. તારા એક સમયના જ્ઞાન, આનંદની મહિમાનો પણ પાર નથી તો એવા ત્રિકાળ સ્વભાવની મહિમાની શી વાત !
અરે, આ અમારો અંગત માણસ છે, ઘરનો ઉંદર છે એમ દેહના નામની પ્રશંસાથી તું ઉલ્લસિત થઈ જા છો અને તારા પોતાના આવા નિધાનની વાત સાંભળીને ઉલ્લસિત નહિ થા? આ તારી પ્રશંસા છે ભાઈ ! તું અતીન્દ્રિય આનંદનો રસકંદ છો. જ્ઞાનાનંદની શીલા છો. એ જ જ્ઞાનની પર્યાયમાં આખું લોકાલોક એક નક્ષત્ર સમાન છે એવો આત્મા જ ઉપાદેય છે. માટે દેષ્ટિમાંથી વિકારને ખાલી કરી, દૃષ્ટિને ભગવાન આત્મા તરફ ઢાળ. શ્રદ્ધામાં વિકલ્પ આદિની મહત્તા છે તે છોડીને અનંત જ્ઞાનાદિ સ્વભાવવાળા ચૈતન્યમાં દૃષ્ટિ સ્થાપ. વિકલ્પ આદિથી રહિત થઈને સંતો જ્ઞાનાનંદ નિધાનમાં દૃષ્ટિ સ્થાપે છે અને તે સ્વભાવને જ આદરણીય માને છે. ધર્મીની દૃષ્ટિ સર્વદા-ત્રિકાળ અનંત જ્ઞાનાદિ સ્વભાવનો જ આદર કરીને પડી છે. ત્રિકાળમાં ધર્મીને સ્વભાવ સિવાય બીજી કોઈ ચીજ ઉપાદેય લાગતી જ નથી. વિકલ્પથી માંડીને આખા જગતમાં કાંઈ તેને સુંદર લાગતું નથી.