________________
અચિંત્ય જ્ઞાનસ્વભાવ
(સળંગ પ્રવચન નં.-૨૬) गगने अनन्तेऽपि एकमुडु यथा भुवनं विभाति । मुक्तस्य यस्य पदे बिम्बितं स परमात्मा अनादिः ॥३८॥ योगिवृन्दैः ज्ञानमयः यो ध्यायते ध्येयः ।
मोक्षस्य कारणे अनवरतं स परमात्मा देवः ॥३६॥ શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્રના પ્રથમ ભાગની ૩૦મી ગાથા ચાલે છે.
જેનો કોઈ અંત નથી એવા અનંત આકાશમાં એક નક્ષત્રનું ક્ષેત્ર તો બહુ નાનું છે તેમ મુક્ત જીવના કેવળજ્ઞાનમાં આખુ લોકાલોક એક નક્ષત્ર સમાન ભાસે છે એટલે આ જ્ઞાન કેવડું મોટું અને મહાન છે કે જેમાં ત્રણલોક એક નક્ષત્ર જેવા નાના ભાસે છે ! આવો આ જ્ઞાનસ્વભાવ જીવમાં અનાદિથી રહેલો છે.
આખા લોકાલોકમાં એક પરમાણુ માત્ર કે એક વિકલ્પ માત્ર પણ જેનો નથી એવા આત્માના જ્ઞાનસ્વભાવમાં આખો લોકાલોક અનંત આકાશમાં રહેલાં એક નક્ષત્ર સમાન લાગે છે. આમ કહીને એમ કહેવા માગે છે કે આવા અનંત અમાપ ભગવાન આત્માને દૃષ્ટિમાં લે અને વિકલ્પ આદિ બધાંને હેય કરી દે.
ભગવાન ! તારો જ્ઞાનસ્વભાવ ભગવાન સ્વભાવ છે એટલે કે મહિમાવંત સ્વભાવ છે. મહાન જ્ઞાનસ્વભાવ પાસે વિકલ્પથી માંડી શરીર, કર્મ, સંયોગ આદિ બધાંને હેય જાણ. અંતરદૃષ્ટિ કર અને સ્વભાવ સિવાયનું બધું હેય જાણ.
ભગવાન ! તારી મહિમા પણ કેટલી? અમાપ અમાપ..ચારે કોરથી અમાપ એવા આકાશમાં જેમ એક નક્ષત્ર કેટલું નાનું છે તેમ અનંત.. અનંત અનંત એવા સ્વભાવના સામર્થ્યમાં લોક અને અલોક એક નક્ષત્રની જેમ જણાય જાય છે. આવો ભગવાન આત્મા જ વીતરાગી દૃષ્ટિએ આદરવાલાયક છે. દૃષ્ટિ આવા પોતાના સ્વભાવમાં જ સ્થાપવાલાયક
છે.
ભગવાન ! તું અનાદિથી આવો જ છો. પર્યાયમાં ભલે કેવળજ્ઞાન થાય ત્યારે જણાય પણ વસ્તુસ્વભાવ તો અનાદિથી એવો ને એવો...એવો ને એવો જ છે. આહાહાહા ! આવા ચૈતન્ય મહાસાગરના અનંત સ્વભાવ પાસે રાગાદિ તો શું પણ અલ્પજ્ઞ પર્યાય-ચાર જ્ઞાનની પર્યાય પણ તુચ્છ છે. કેવળજ્ઞાનની અનંતી પર્યાય સંગ્રહીને બેઠો છે એવો ભગવાન આત્મા એક જ આદરવા લાયક છે.