________________
પ્રવચન-૧૬ /
[ ૮૭ તને કહીએ છીએ એ પણ તને બેસતી નથી ? તારું સામર્થ્ય તને રુચતું નથી? અમે કહીએ છીએ છતાં સ્વીકાર કરતો નથી તો તે અમારી વાત માની જ નથી.
અમે કહીએ છીએ કે અમારા અવલંબને તારું કાર્ય નહિ થાય. તારો ભગવાન આત્મા અમારા અવલંબને પ્રાપ્ત થાય તેવો નથી. એકલી ચિદાનંદની મૂર્તિ, વીર્ય એટલે બળની મૂર્તિ, જ્ઞાનની મૂર્તિ, શ્રદ્ધાની મૂર્તિ એવી અનંતગુણની એક મૂર્તિ ભગવાન આત્મા અમારા આધારે પ્રાપ્ત ન થાય એમ શાસ્ત્ર દ્વારા સર્વજ્ઞદેવ અને સંતો કહે છે. પણ પરલક્ષ છોડીને સ્વલક્ષ નથી કરતો એણે ભગવાનની વાત ક્યાં માની?
પ્રભુ ! તારી ચીજમાં એટલી તાકાત છે સામર્થ્ય છે એવા સ્વભાવસંપન્ન તું છો કે પરના અવલંબનથી તું પ્રાપ્ત ન થા. તારા જ્ઞાન, આનંદ, શ્રદ્ધા અને શાંતિથી તું પ્રાપ્ત થા એવો તારો સ્વભાવ છે. એમ સર્વજ્ઞદેવ કહે છે, શાસ્ત્રો કહે છે. કુંદકુંદ આચાર્યદવ કહે છે, સંતો કહે છે તેની એકવાર હા તો પાડ! હા પાડતાં લત લાગી જશે એટલે હાલત થઈ જશે અને ના પાડીશ તો આત્મા પ્રાપ્ત નહિ થાય.
ભગવાન સર્વજ્ઞ વિતરાગદેવે સો ઈન્દ્રોની ઉપસ્થિતિમાં સમોસરણમાં જે કહ્યું એ જ શાસ્ત્રોમાં આવ્યું અને એ જ સંતો કહે છે. આ શાસ્ત્ર પોકાર કરે છે કે તારું સામર્થ્ય સત્ નું સત્ત્વ એવું છે કે પરાવલંબી વિકલ્પ કે પરાવલંબી જ્ઞાનથી એ પ્રાપ્ત ન થાય. સ્વભાવના જ્ઞાન, શ્રદ્ધા અને શાંતિ દ્વારા જ આત્મા પ્રાપ્ત થાય એવો આત્માનો સ્વભાવ છે.
જે કોઈએ આત્મા પ્રાપ્ત કર્યો તેણે ધ્યાનથી જ આત્મા મેળવ્યો છે, શાસ્ત્રથી, | વિકલ્પથી, દેહથી, વાણીથી, તીર્થંકરથી કે સંતોથી આત્મા પ્રાપ્ત કર્યો નથી, ધ્યાનથી જ પ્રાપ્ત કર્યો છે.
શ્રોતા અલૌકિક વાત આપ કરો છો.
પૂજય ગુરુદેવશ્રી આત્માનું સ્વરૂપ જ અલૌકિક છે તો તેની વાત અલૌકિક જ હોય ને !
દ્રવ્યસંગ્રહની ૪૭મી ગાથામાં આવે છે કે નિશ્ચય અને વ્યવહાર બંને મોક્ષમાર્ગ ધ્યાનથી જ પ્રાપ્ત થાય છે. નિર્મળ પર્યાયના સામર્થ્યથી જ પર્યાયવાન ધ્યાનમાં આવે એવું તેનું સ્વરૂપ છે. શાસ્ત્ર સાંભળવું એ તો ધ્યાનનો ઉપાય છે. શાસ્ત્ર એવું સંભળાવે છે અને શ્રોતા એવું સાંભળે છે કે શાસ્ત્રના અવલંબનથી આત્મા પ્રાપ્ત ન થાય પણ પોતાના અવલંબનથી જ આત્મા પ્રાપ્ત થાય.
એકલો ધ્રુવ પરમાત્મા–મહાન આત્મા સિદ્ધથી પણ ભિન્ન મહાન આત્મા છે. સિદ્ધ તો સિદ્ધના પોતાને માટે મહાન છે, પણ પોતાને માટે મહાન પોતાનો આત્મા છે, સિદ્ધ નહિ. આગળ ૨૪મી ગાથામાં આવશે કે આત્મા પોતે જ સર્વ વાતે પરિપૂર્ણ છે.