________________
25
અનુભવ રસ
આત્માનુભૂતિની અમોઘ કવિતાનું રસદર્શન
- ડે. રમણલાલ ચી. શાહ
ગોંડલ સંપ્રદાયનાં પ. પૂ. શ્રી લલિતાબાઈ મહાસતીજી (પૂ. બાપજી) નાં સુશિષ્યા પ. પૂ. શ્રી જશુબાઈ મહાસતીએ અધ્યાત્મયોગી કવિ શ્રી આનંદઘનજી વિશે. વિવિધ ગ્રંથોનો સ્વાધ્યાય કરીને, મુંબઈ યુનિવર્સિટીની પીએચ.ડી ની પદવી માટે તૈયાર કરેલ અને માન્ય રહેલ શોધનિબંધના સંક્ષેપરૂપે આ જે લોકપ્રિય ગ્રંથ તૈયાર કર્યો છે, એના પ્રકાશનને આવકારતાં હું અત્યંત હર્ષ અનુભવું છું. વર્ષોથી જેની રાહ જોવાતી હતી તે ગ્રંથ હવે પ્રકાશિત થાય છે, સર્વસુલભ બને છે. એથી અનેક આત્મસાધક મુમુક્ષુઓને એમાંથી પ્રેરણાનાં પીયૂષનું પાન કરવા મળશે.
કવિવર શ્રી આનંદઘનજીએ સ્તવનો અને પદો લખ્યાં છે. એમનાં સ્તવનો ઉપર જેમ અભ્યાસગ્રંથો પ્રગટ થયા છે, તેમ પદો ઉપર પણ થયા છે. સ્વ. મોતીચંદભાઈ ગિરધરલાલ કાપડિયાએ સ્તવનો અને પદો એમ બંને ઉપર સવિસ્તર ગ્રંથો લખ્યા છે. પ. પૂ. શ્રી જશુબાઈ મહાસતીજીએ આ શોધનિબંધમાં સ્તવનો અને પદો એમ બંને ઉપર સરસ અર્થપ્રકાશ પાડયો છે.
પોતાની થોડી પણ ઉત્કૃષ્ટ કાવ્યકૃતિઓ દ્વારા સમગ્ર ભારતની પ્રજામાં છવાઈ ગયેલા સંત કવિઓમાં વિક્રમના અઢારમા શતકના કવિ અધ્યાત્મયોગી શ્રી આનંદઘનજી મહારાજનું નામ પણ મોખરે છે. “બેર બેર નહિ આવે અવસર, અબ હમ અમર ભયે ન મરેંગે,” “કયા સોવે