________________
૧૪૩
અનુભવ રસ સમુદ્રમય બની જાય છે. તેને પછી પોતાનો વ્યક્તિભાવ સ્થાપન કરવાની ઈચ્છા રહેતી નથી. તે આત્મા જયારે સિદ્ધદશાએ પહોંચે છે ત્યારે ત્યાં સમુદ્ર સાથે પોતાનાં આત્મબિન્દુને મેળવી દે છે.
સારાંશ એ કે સિદ્ધદશા પ્રાપ્ત કર્યા પછી પણ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ રહે છે કારણકે એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં ભળી જતું નથી. તે રીતે દરેક પદાર્થ પોતપોતાની રીતે સ્વતંત્ર છે. ગુણો પણ સ્વતંત્ર છે. જ્ઞાન અપેક્ષાએ સર્વ જીવો સિદ્ધ સમાન છે. તો પણ દરેકનું કેવળજ્ઞાન અને કેવળદર્શન સ્વતંત્ર છે તથા દરેક જીવોનો “આત્મધન” સ્વતંત્ર છે. જે જીવ મોક્ષગામી હોય તે છેલ્લો દેહ (ચરમદેહ) છોડે તે સમયે તેનું શરીર જે અવસ્થામાં હોય તે જ આકારે તેના આત્મપ્રદેશો ગોઠવાઈ જાય છે તથા ચરમશરીરની જે અવગાહના હોય તે પ્રમાણે ૨/૩ ભાગે ધન પડે છે. તેથી કવિએ “આનંદઘન' શબ્દનો વારંવાર પ્રયોગ કર્યો છે. બધા સિદ્ધાત્માના આત્મપ્રદેશો ઘનાકારે ગોઠવાયેલા હોવા છતાં એક-બીજાને બાધક કે રોધક થતા નથી. અસ્તિત્વ ગુણને કારણે બધા સ્વતંત્ર છે.
- સાધક પોતાના જીવનમાં સર્વ પ્રથમ દેહ અને આત્માની ભિન્નતારૂપ આત્માનંદનો અનુભવ કરે છે. ત્યારે એ આનંદ અપૂર્વ, દિવ્ય ને ભવ્ય હોય છે. એ અનુભવ ઉત્તરોત્તર વૃદ્ધિ પામતાં સાધકને અલ્પભવમાં સંસારથી મુક્ત કરાવી દે છે. તેથી કવિએ આ પદમાં અનુભવને કલિકા કહી છે. કળી નાની હોય, કળીમાંથી ફૂલ ખીલે છે. ફૂલ સીધું ખીલતું નથી, તેમ દેહ ભિન્ન આત્માનો અનુભવ સર્વપ્રથમ અલ્પસ્થિતિનો હોવાને કારણે “કલિકા' કહ્યો છે કારણ કે અનાદિકાળનો મિથ્યાત્વી જીવ સર્વ પ્રથમ ઉપશમ સમકિત પામે છે એવી એક માન્યતા છે. આ સમકિતની સ્થિતિ ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે તેથી ફૂલ કરતાં કળીની સ્થિતિ અલ્પ હોવાના કારણે કવિએ પ્રથમ આત્માનુભવને કલિકા કહી છે પછી ક્ષાયિકસમ્યકત્વ પ્રગટ થતાં કુસુમનું રૂપ ધારણ કરે છે. આ રીતે આ પદ આત્મસાધક માટે પ્રોત્સાહકને પ્રેરણારૂપ છે. જેમ ફૂલ ખીલવામાં સૂર્ય નિમિત્ત બને છે તેમ ભવ્યાત્મા સૂર્યસમ સદ્ગુરુના જ્ઞાનનું પાન કરે તો તેમાંથી આત્માનુભવ રસનું આસ્વાદન કરે છે તથા આનંદ પામે છે. હકીકતમાં આ પદ પ્રેરણાદાયી છે.