________________
૧૨૫
અનુભવ રસ ધ્વનિ અંદર સંભળાય છે બહાર નહિ. પરંતુ અનુભવ વિના તેનું સ્વરૂપ સમજી શકાય નહીં.
અનાહતનાદનાં જિતનગારા ચેતનાને વારે વાગવા લાગ્યા. જેથી શુદ્ધચેતના પિયુ મિલન માટે અતિ ઉત્સુક બની ગઈ છે. ચેતનરાજ પણ હવે ચેતના વિના રહી શકે નહીં એવી ભાવધારામાં ખેંચાઈ રહ્યાં છે. બંનેનાં મિલનની તીવ્રતા વર્તતા ચેતન – ચેતનાના હૃદયમાં આનંદરસની અનરાધાર વર્ષા થવા લાગી. આજ સુધી ચેતન ચેતનાનો ભેદ હતો તે હવે અભેદપણે રહેવા લાગ્યા. દીર્ઘકાળની કામના પૂર્ણતાને પામતાં બંનેનો આત્મ મયૂર એકતાન થઈ નાચવા કુદવાને ગાવા લાગ્યો. આનંદના અવસરે આત્મમયૂર પણ આનંદરસની વર્ષામાં મસ્ત બને છે. ચેતના કહે છે કે સર્વત્ર અસંખ્યાત પ્રદેશમાં નખથી શિખ પર્યત આનંદની ઘનઘટા છાઈ ગઈ છે. દુઃખનું સ્વપ્ન પણ હું ભૂલી ગઈ છું. આનંદઘન સ્વામીના સહવાસમાં ત્રિવિધ તાપ ટળી ગયા. હવે કોઈ પણ જાતનો ઉપદ્રવ રહ્યો નથી.
કવિશ્રીએ આ પદમાં શૃંગારરસનું સુંદર આલેખન કર્યું છે. પોતે એક ત્યાગી સંત હોવા છતાં સ્ત્રી સૌંદર્યનું યથાતથ્ય જ્ઞાન ધરાવતા આ સંત સાહિત્યક્ષેત્રમાં ઘણું ઉંડાણ અનુભવ્યું છે. લૌકિકવાતને અધ્યાત્મ ભાવોના તારમાં ગૂંથીને કવિએ માનવમનને બદલવા સફળ પ્રયાસ કર્યો છે. મુનિશ્રી સહજ અને સરલતાથી લોકષ્ટિ બદલી શક્યા છે. સ્ત્રીઓના સોળશૃંગાર કવિએ આ પાંચ કડીના પદમાં વર્ણવ્યા છે. શૃંગારરસસભર આ પદમાં બાહ્યઆંતર અનુભૂતિનું અલૌકિક દર્શન કરાવે છે. આ પદ સાહિત્યક્ષેત્રમાં ઉત્તમ ગણી શકાય તેવું સ્થાન ધરાવે છે.