________________
૧૨૩
અનુભવ રસ માળા ધારણ કરી છે. કારણ કે પતિવ્રતા સ્ત્રી પતિમય થઈ જતાં પતિની સંપત્તિમાં પોતાનો અધિકાર અધિકાર માને છે. ચેતનની સંપત્તિ છે ગુણરત્નોનો ભંડાર, માટે ચેતનાએ ગુણરત્નની માળા ગળામાં ધારણ કરી છે. શ્રી બુદ્ધિસાગરજી મહારાજ કહે છે,
આત્માની જેમ જેમ સ્થિરતા વધતી જાય છે તેમ તેમ મોહનીયકર્મનો ક્ષય થતો જાય છે. પ્રમત્તગુણસ્થાનક કરતાં અપ્રમત્ત ગુણસ્થાનકમાં સ્થિરતા અધિક પ્રગટે છે. તેથી ચેતના સમતારૂપ સખીને કહે છે કે હે સખી! જે સ્ત્રી પોતાના સ્થિરભાવે રહેતી નથી. ઘડીમાં માસો અને ઘડીમાં તોલો થઈ જાય છે. તે પોતાના સ્વામીની અવહેલના કરાવે છે. ચેતના કહે છે મારી દૃષ્ટિ ક્ષણે ક્ષણે મારી ચૂડીઓ ઉપર પડે છે જેથી હું પરભાવમાં રંગાતી નથી. સહજ સ્વભાવરૂપ ચૂડીઓ છે અને સ્થિરતારૂપ કંગન છે. સ્થિરતારૂપ કંગન એમ સૂચવે છે કે સદાકાળ આત્મસ્વામીની આજ્ઞામાં રહેવું. ચેતના કહે છે કે “મારા હૃદયમાં મેં ધ્યાનરૂપ ઊર્વશીને ધારી છે. સ્ત્રીઓ પોતાના હૃદયમાં શોક માદળિયા પહેરે છે. ધ્યાનરૂપ ઉર્વશી છાતીમાં ધારણ કરવાથી કોઈ તરફથી પીડા થતી નથી. અરે! ધ્યાનના યોગે મોહ શત્રનું જોર ચાલતું નથી.
આત્મા ધ્યાનારૂઢ થતાં ને સ્થિરતાં વધતાં મોહશત્રુ તો ભાગે છે પણ તેના સાથીદાર બીજાં ઘાતકર્મો પણ નાશ પામી જાય છે. ઘાતકર્મોનો ક્ષય થતાં ચૈતન્યની સૂરત ખીલી ઊઠે છે. ચેતનની સૂરત કેવી છે તે કવિ ચોથી કડીમાં કહે છે.
सुरत सिंधूर मांग रंग राती, निरते वेनी समारी। , उपजी ज्योत उद्योत धट त्रिभुवन, आरसी केवल कारी॥४॥
શુદ્ધચેતનાએ શૃંગાર સજયો. તેમાં શુદ્ધ ઉપયોગનો સેંથો પૂર્યો છે. લગ્નગ્રંથિથી જોડાયેલી સ્ત્રીને લગ્નને દિવસે સર્વપ્રથમ તેનો પતિ સેંથો પૂરી સૌભાગ્યદાન કરે છે. તેવી રીતે શુદ્ધચેતનાએ કાળજીપૂર્વક વિરોક્તભાવોનો અંબોડો વાળી સરસ કેશકલાપ કરી તેમાં શુદ્ધોપયોગનો સેંથો પૂર્યો અને કેવળજ્ઞાનનું સિંદૂર પૂર્યું કારણકે જ્ઞાનનો રંગ લાલ છે અને નવકારમાં સિદ્ધભગવાનનો રંગ પણ લાલ કહ્યો છે. જયારે ચેતન,ચેતનાનો સંયોગ થાય છે ત્યારે મૂળગુણો પ્રગટ થાય છે અને તેમાં જ મગ્ન રહે છે.