________________
અનુભવ રસ
૧૦૪ સર્વ પ્રકારે વિષાદમુક્ત બની જા. હવે ચેતનનો ચેતના સાથે સંબંધ થવા લાગ્યો છે. તેના મનની ગુપ્ત વાત હું તને કહી રહ્યો છું, મેં તેને વિશિષ્ટ વસ્તુઓનું તથા સ્વરૂપનું જ્ઞાન આપ્યું છે. તેથી તે માયા, મમતાના સંગથી મુક્ત થવા લાગશે. જેમ હંસની તાકાતથી દૂધ અને પાણી જુદા થઈ શકે છે તેમ મારું કામ પણ ચેતનને કુમતિથી જુદો કરવાનું છે. ચેતનને ચેતાવી સન્માર્ગે લાવવો તે મારું કાર્ય છે. આજ સુધી મેં અનેક જીવોનાં દિવ્યચક્ષુઓ ખોલાવી સિદ્ધ - બુદ્ધ પરમાત્મા બનાવ્યા છે.
હે સમતા! હું ચોથે પગથિયે તારા આત્મસ્વામીને મળીશ અને સત્ય સમજાવીશ. મને વિશ્વાસ છે કે તારો પતિ સમજી જશે અને તરત જ તને મળવા તે ઉત્સુક બની જશે. તારા મંદિરમાં જરૂર પધારશે અને તારી સેજમાં આવી તારી સાથે આનંદરસમાં રંગાઈ જશે. તને તે પોતાના પ્રેમમાં ભીંજવી દેશે. પછી તો તારા જીવનમાં આનંદસાગર લહેરાવા લાગશે માટે, હવે તું નિશ્ચિત બની સ્વરૂપસ્થ થઈ જા.
આ પદમાં કવિશ્રીએ આત્મશુદ્ધિની વાત દર્શાવી છે. આત્મામાં જો સત્યાસત્યનો વિવેક જાગે તો આત્મશુદ્ધિની દિશા ખુલ્લી જાય છે અને મિથ્યાત્વરૂપ મહાઅંધકાર દૂર ખસી જાય છે. વિવેક પોતાનું કાર્ય સંભાળવા કટિબદ્ધ થયો છે. તે ચેતનાને વચન આપે છે કે તારે હવે આનંદરસમાં રંગરેલી કરવાની છે. પ્રાણીના જીવનમાં સુખ અને દુઃખ, તડકો અને છાયો આમ ચાલ્યા જ કરે છે. ચેતના અત્યાર સુધી વિરહ દુઃખથી અત્યંત પીડિત હતી પણ હવે એવો સમય આવશે કે જયારે અનંત-અનંત કાળમાં ક્યાંય દુઃખની છાયા પણ નહિ હોય.
જીવ, વિભાવદશામાંથી સ્વભાવદશામાં એટલે કે પોતાનાં મૂળ સ્વરૂપમાં પાછો ફરે છે ત્યારે જેમ ગુમાવેલી મૂડી પાછી મળતા જે આનંદ થાય તેવો આનંદ ચેતનને થાય છે. પ્રિયતમા અને પ્રિયતમનું રૂપક કવિએ આરંભમાં પ્રયોજયું છે. માટે જ અંતિમ કડીમાં મિલન માટે સેજ (પથારી) નું રૂપક પણ કવિએ પ્રયોજયું છે. આ પદ ગીતિકારૂપે તન્મય થઈ જવાય તેવું, આત્મવિભોર ભાવોને ઉત્તેજન આપતું આ પદ .