________________
અનુભવ રસ અવસ્થામાં મારા ચેતસમાં જે કાંઈ ઝીલાયું છે તેને જ હું જીવનનો અર્થ ખોળનારનાં માટે નમ્રતાપૂર્વક ધરી રહી છું.
પ. પૂ. આનંદઘનજીએ અધ્યાત્મ જેવા ગહન વિષય અને પદોને સ્તવનો દ્વારા કેમ રજૂ કર્યો હશે એવો પ્રશ્ન સ્વાભાવિકપણે આપણને થાય છે. તેનાં મૂળમાં વિખ્યાત વિજ્ઞાની કાર્લ પ્રિબ્રામની વિચારણાં જોઈએ તો પ્રિબ્રામ કહે છે, “માણસ મૂળે તર્કયુક્ત પ્રાણી નહીં પણ સંગીતમય પ્રાણી છે. સંગીતમાં તર્ક સમાઈ જાય છે. તર્કમાં આત્મલક્ષિતા અને વસ્તુલક્ષિતા વચ્ચે તકરાર છે. સંગીતમાં આ બંને ઓગળી એકરાર બની રહે છે. માટે જ તો પૂ. આનંદઘનજીએ પરમસતને પામવા આપણી સમક્ષ સુમધુર દિવ્યગન મૂકેલ છે. આ દિવ્યગાન માટે ફક્ત કાન પર્યાપ્ત નથી પણ આપણી સમગ્ર ચેતના દ્વારા અસ્તિત્વનાં સૂર મેળવવા મથવાનું છે. સમગ્ર અસ્તિત્વનાં સૂર મેળવવા એ કાંઈ ડાબા હાથનો ખેલ નથી. એના માટે સમગ્ર અસ્તિત્વ સંવાદમય બનાવવું પડે. એ સંવાદિત મળે આપણને પૂ. આનંદઘનજીના અનુભવ રસ થકી. આત્માની અવિકૃત અને વિકૃત દશાનું એમણે વિસ્તૃત વર્ણન સ્તવનોમાં, પદોમાં કરેલ છે. જે ધર્મમૂઢતા કે આત્મ મૂઢતા છે તે મોહ છે અને મોહનો વિલય મુક્તિ છે. આ બધું જ આનંદઘનજીએ સરળતાપૂર્વક ભક્તિયોગ દ્વારા જ્ઞાનયોગ પીરસ્યો છે. બીજી બાજુ પૂ. આનંદઘનજીનો ભક્તિયોગ એ આપણને હૃદયરોગ જેવો લાગે છે. શુદ્ધ પ્રેમયોગ + અસ્તિત્વ = આનંદઘનજી
આવા અભુત આનંદઘનજી પર લખવાનો પ્રયત્ન મેં કરેલ છે તે ક્યારેક મને સાહસ લાગે છે. ક્ષતિઓ રહેવા પામેલ હશે, કારણકે મારા જેવી એક સામાન્ય સાધ્વી દ્વારા એક અસામાન્ય અવધૂત પર લખવું તે દુ:સાહસ જ લાગે પણ છતાં મને એમાંથી ઘણું મળ્યું છે અને મારી એવી ઈચ્છા છે કે સંસારમાં તપતા વ્યક્તિઓ આ આનંદને પામે. .
આ ગ્રંથમાં પીરસેલી સામગ્રીઓને ચાહો તો ક્રમમાં વાંચો, યા તો જ્યાં પ્રથમ દ્રષ્ટિ પડે ત્યાંથી વાંચવી શરૂ કરો. પૂ. આનંદઘનજીનું વિજ્ઞાન આપની બુદ્ધિને કસોટીએ ચઢાવશે, આપને પ્રેરણા આપશે, પ્રકાશ આપશે અને જીવન જો એ દિશા તરફ ડગલું ભરશે તો આ પુસ્તક લખવાનો મારો શ્રમ તથા પ્રકાશકોનો શ્રમ લેખે લાગશે.
સાધ્વી જશુબાઈ મહાસતીજી