________________
સામ્યશતક
બ્લોક-૪૨
अनादिवासनाजालमाशातन्तुभिरुम्भितम् ।
निशातसाम्यशस्त्रेण निकृन्तति महामतिः ।। અર્થ – આશાતંતુઓથી ભરેલી અનાદિ વાસનાજાળને મહામતિ પુરુષ સામ્યભાવરૂપ તીક્ષ્ણ શસ્ત્રથી છેદે છે. ભાવાર્થ – દરેક જીવ સુખી થવા ઇચ્છે છે અને પરમાંથી સુખ મળશે એમ માની, એ માટે તે સતત બહાર પ્રયત્ન કરે છે; પણ તેને ક્યારે પણ સુખ પ્રાપ્ત થતું નથી. પરંતુ ત્યાંથી સુખ મળશે જ એવી આશા ફરી તેને એ પ્રયત્ન કરવા પ્રેરે છે અને તેને દુઃખ સિવાય કંઈ મળતું નથી. વાસનાના કારણે ઉત્પન્ન થયેલી આ આશારૂપી તંતુઓની જાળમાં તે અનાદિ કાળથી એવો ફસાયો છે કે એમાંથી બહાર નીકળવું દુષ્કર છે. સમત્વભાવ વડે આ જાળમાંથી બહાર નીકળી શકાતું હોવાથી, પ્રજ્ઞાવંત પુરુષો તેને ધારણ કરી, અનાદિની વાસનાજાળને છિન્નભિન્ન કરી નાંખે છે.