________________
૦૩
સામ્યશતક શ્લોક-63
चक्षुष्यद्वेष्यतां भावेष्विन्द्रियैः स्वार्थतः कृताम् ।
आत्मन् स्वस्याभिमन्वानः, कथं नु मतिमान् भवान् ।। અર્થ – હે આત્મનું, સર્વ પદાર્થોમાં ઈન્દ્રિયો સ્વાર્થથી જે રાગ-દ્વેષ કરે છે, તેમાં તું જે કર્તુત્વનું અભિમાન રાખે છે, તેથી તું બુદ્ધિમાન કેમ ગણાય? અર્થાત્ ન જ ગણાય. ભાવાર્થ – પરપદાર્થોમાંથી સુખ લેવા ઇન્દ્રિયો દ્વારા જીવ બહાર ભટકે છે. ઇષ્ટ લાગતા પદાર્થ ભોગવીને સુખ અનુભવે છે અને અનિષ્ટ લાગતા પદાર્થ પ્રાપ્ત થતાં દુઃખ અનુભવે છે, તેથી ઈષ્ટ માટે રાગ અને અનિષ્ટ માટે ઢેષ કરે છે. વળી, સુખ સતત મળતું રહે તે માટે પરમાં ફેરફાર કરવાનો પુરુષાર્થ કરે છે. પુણ્યોદય હોય તો તેની ઇચ્છા અનુસાર ફેરફાર થાય છે, તેનો પુરુષાર્થ સફળ થતો જણાય છે, તેથી તે એમ માને છે કે “મારા કરવાથી થયું.” હકીકતમાં તે પરમાં કંઈ જ કરી શકે તેમ નથી, છતાં તે કર્તુત્વનું અભિમાન કરે છે. કર્તુત્વભાવથી પરને ગ્રહણ કરવાનો અને છોડવાનો પ્રયત્ન કરી, આકુળ-વ્યાકુળ થઈ, દુઃખી થવામાં બુદ્ધિમત્તા ક્યાં છે? પ્રાપ્તિ-અપ્રાપ્તિથી જે ન સુખી થાય છે, ન દુઃખી થાય છે તે બુદ્ધિમાન છે, બીજા નહીં.