________________
પ્રકરણ ૮.
ભાવ-ગુણોનો અભેદ
જેવી રીતે વસ્તુમાં ક્ષેત્રની અખંડતા હોય છે, કાળની અખંડતા હોય છે; તેવી જ રીતે વસ્તુમાં ગુણોની અખંડતા પણ હોય છે. ૪૭ શક્તિઓના પ્રકરણમાં પૂજ્ય ગુરુદેવશ્રી કહેતા હતા કે ‘એક ગુણનું રૂપ બીજા ગુણમાં છે' – તે ગુણોની અખંડતાનું સૌથી મોટું કારણ છે. જો એક ગુણનું રૂપ બીજા ગુણમાં ન હોય, તો ગુણો વિખરાઈને અલગ-અલગ થઈ જશે. જો જ્ઞાનગુણમાં અસ્તિત્વગુણનું રૂપ ન હોય, તો જ્ઞાનગુણનું અસ્તિત્વ જ નહીં રહે; પછી જ્ઞાન ગધેડાના શીંગડા સમાન થઈ જશે. અસ્તિત્વગુણમાં જો પ્રમેયત્વગુણનું રૂપ ન હોય, તો અસ્તિત્વગુણને જાણી શકાશે નહિ. જો જ્ઞાનગુણ અનંત ગુણોમાં વ્યાપ્ત ન હોય, તો જ્ઞાનગુણ જ ચેતન હશે, આત્માના બાકીના ગુણ અચેતન રહેશે; કારણ કે જ્ઞાનદર્શનને જ ચેતના કહેવામાં આવે છે.
આ રીતે વસ્તુમાં ક્ષેત્રની અખંડતા અને કાળની અખંડતાની સાથે સાથે ગુણોની એટલે કે ભાવની અખંડતા પણ હોય જ છે.