________________
ભૂમિકા
આપણે જાણીએ જ છીએ તેમ છ ફુટ લાંબા પત્થરમાંથી શિલ્પી પાંચ ફુટની પ્રતિમા બનાવે છે. છ ફુટના પાષાણને કંડારવાની શરૂઆત કરતા પહેલાં જ શિલ્પીને એ બરાબર જ ખ્યાલમાં હોય છે કે પાંચ ફટની પ્રતિમા કેવી હશે. મૂર્તિના નાક, કાન, આંખ વિગેરે ક્યાં, કેવાં અને કેવડાં હશે તેની ચોક્કસ માહિતી પત્થર કંડારતા પહેલાં જ તેની દ્રષ્ટિમાં હોય છે. જેટલી સુંદર પ્રતિમા પ્રથમ તેની દ્રષ્ટિમાં હશે તેટલી જ સુંદર પ્રતિમા પછી પત્થરમાંથી બનશે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો જેવી પ્રતિમા એના દ્રષ્ટિના વિષયમાં પહેલાં હશે, તેવી જ પ્રતિમા તેને પ્રાપ્ત થશે.
એવી જ રીતે આપણાં દ્રવ્ય-ગુણ-પર્યાયવાળા પ્રમાણના આત્મામાંથી દ્રષ્ટિના વિષય ભગવાન આત્માને કંડારીને પ્રાપ્ત કરવાનો
છે. આપણી દ્રષ્ટિમાં આ ભગવાન આત્માનું સ્વરૂપ સમ્યફપ્રકારે જેટલું - સ્પષ્ટ હશે તે પ્રમાણે આપણને તેની પ્રાપ્તિ થશે.
આપણે ભગવાન મહાવીર જેવા બનવા માટે શું કરવાનું છે ? સ્ત્રી, પુત્ર, મકાન, જાયદાદ, રાગ-દ્વેષ આદિ કાંઈ જ તેમની પાસે નથી અને આપણી પાસે છે, તે બધાને આપણે છોડવાના છે. આપણે બહારથી કાંઈ મળવાનું નથી. ભગવાન આત્મા તો અંદર તૈયાર જ છે, બસ ફક્ત કાપકૂપ જ આપણે કરવાની છે. અને એ કાપકૂપ સૌથી પ્રથમ આપણે દ્રષ્ટિમાં કરવાની છે. જેમ શિલ્પી ટાંકણી તો પછી ચલાવે છે, પહેલાં તો પ્રતિમાનું સ્વરૂપ પોતાના જ્ઞાનમાં નક્કી કરે છે, તેમ આપણે સૌ પ્રથમ આપણા જ્ઞાનમાં ભગવાન આત્માના સ્વરૂપ વિષે સાચો અને પાકો નિર્ણય કરવાનો છે. ટાંકણી તો પછી ચાલશે, એટલે કે ક્રિયા-ચારિત્ર તો પછી થશે, પહેલાં તો આપણે તે ભગવાન આત્માના સ્વરૂપને આપણી દ્રષ્ટિમાં બિલકુલ બરાબર બેસાડવાનું છે.
• દ્રષ્ટિનો વિષય એટલે તે ભગવાન આત્મા જેને આપણે દ્રષ્ટિમાં રાખવાનો છે, જેમાં આપણે આપણું પોતાપણું સ્થાપવાનું છે, હું આ જ છું એમ જાણવાનું અને માનવાનું છે.