________________
સર્વોત્કૃષ્ટ સિદ્ધિ
અનંત વીર્ય આદિ સર્વ લબ્ધિ આ કેવલી ભગવંતના ઘટમાં વસે છે. અણિમા-મહિમા આદિ અષ્ટ મહાસિદ્ધિ એમની કિંકરી થઈને ફરે છે; પાતંજલ આદિ યોગશાસ્રોમાં તથા જિનાગમોમાં વર્ણવેલ સર્વ વિભૂતિઓનું આ ભગવાન એક ધામ હોય છે. છતાં તેના કિંચિત્ માત્ર પરપૌદ્ગલિક સ્ફુરણાર્થે આ આત્મનિમગ્ન પરમ પ્રભુ તેની સામી દૃષ્ટિ પણ કરતા નથી, એવા તે પરમ નિસ્પૃહ નિરુત્સુક હોય છે. જ્યાં આત્માની અનંત ઋદ્ધિ પ્રગટ થઈ છે, ત્યાં અન્ય લબ્ધિસિદ્ધિ-વિભૂતિ કોણ માત્ર છે? કારણકે−‘તે આત્મસ્વરૂપથી મહત્ એવું કંઈ નથી. એવો આ સૃષ્ટિને વિષે કોઈ પ્રભાવજોગ ઉત્પન્ન થયો નથી, છે નહીં અને થવાનો નથી, કે જે પ્રભાવજોગ પૂર્ણ આત્મસ્વરૂપને પણ પ્રાપ્ત ન હો.' આત્મામાં અહિંસાની પરમ પ્રતિષ્ઠા-અત્યંત સ્થિરતા થઈ હોવાથી, આ પરમ અહિંસક વીતરાગ યોગીશ્વરની સંનિધિમાં સિંહ-વ્યાઘ્ર આદિ જેવા હિંસક ક્રૂર પ્રાણીઓ પણ પોતાના જાતિવૈર ભૂલી જઈ પરસ્પર પ્રેમથી વર્તે છે, ઇત્યાદિ સર્વ મહાપ્રભાવ અત્રે આ વીતરાગના ચરિતમાં પ્રગટ ચરિતાર્થ થાય છે.
૫૫
કેવલ જ્ઞાનમય શુદ્ધ અંતરાત્માની સિદ્ધિ એ જ આ વીતરાગની સર્વ ચમત્કારિક સિદ્ધિઓનું મૂળ છે. એટલે જ દાનાંતરાયનો ક્ષય થયો હોવાથી આ ભગવાન શુદ્ધ સહજ આત્મસ્વરૂપનું દાન આત્માને કરે છે; લાભાંતરાયનો ક્ષય થયો હોવાથી અણચિંતવ્યો એવો સહજ આત્મસ્વરૂપ લાભ નિરંતર પામે છે; ભોગાંતરાયનો ક્ષય થયો હોવાથી શુદ્ધ આત્મસ્વરૂપ સંપત્તિનો અયત્ને ભોગ કરે છે; ઉપભોગાંતરાયનો ક્ષય થયો હોવાથી શુદ્ધ સ્વગુણનો નિરંતર ઉપભોગ લે છે; અને વીર્યાન્તરાયનો ક્ષય થયો હોવાથી સ્વરૂપરમણને વિષે અપ્રયાસવંત સહજપણે અનંત આત્મશક્તિ સ્ફુરાયમાન કરે છે. અને આમ અનંત દાનાદિ લબ્ધિથી સ્વરૂપને વિષે પર્યાપ્ત હોવાથી આ પરમ પ્રભુ ધ્રુવ એવા સહજાત્મસ્વરૂપ પદમાં જ નિરંતર રમણ કરનારા હોય છે. એટલે જ આ ‘ધ્રુવપદરામી' આત્મારામી કૃતકૃત્ય પ્રભુને કોઈ કામના નહિ
હોવાથી તે નિષ્કામી જ હોય છે.