________________
મહાત્માઓની અસંગતા
૫૩
ચરિત્રમાં સુજ્ઞ જિજ્ઞાસુને પ્રાપ્ત થાય છે, ને તેની સાક્ષી તેમના વચનામૃતો જ પૂરે છે. શ્રેણિક મહારાજ, જનકવિદેહી, શ્રીકૃષ્ણ આદિના દષ્ટાંત પણ સુપ્રસિદ્ધ છે. આ અંગે એક સુભાષિત છે-“જંગમની જુક્તિ તો સર્વે જાણિયે, સમીપે રહે પણ શરીરનો નહીં સંગ જો; એકાંતે વસવું રે એક જ આસને, ભૂલ પડે તો પડે ભજનમાં ભંગ જો.” તેનો પરમાર્થ એ સમજાય છે કે-જેણે પોતાની સમસ્ત ચિત્તવૃતિઓરૂપ ગોપીઓને પોતાના અનુપમ આત્મસ્વરૂપ સૌદર્યથી આકૃષ્ટ કરી અંતર્મુખ કરી હતી, એવા જ્ઞાની આત્મારૂપ ‘કૃષ્ણ'ની આ યુક્તિ તો જુઓ! એમ હર્ષાવેશમાં બોલતી ભક્તિપ્રધાન એવી ચિત્તવૃતિઓરૂપ ગોપીઓ કહે છે કે–અમે આ શરીરમાં એકાંતે ને એક જ આસને વસીએ છીએ, છતાં અમને શરીરનો સંગ નથી! અને એમાં જો ભૂલ થઈ તો “પડે ભજનમાં ભંગ જો.”
શ્રી શય્યભવસૂરિએ મનક મુનિ-જેના માટે પોતે ખાસ શ્રીદવશવૈકાલિક સૂત્ર રચ્યું, તે વાત ગંભીરતાથી તેના મૃત્યુ પર્યત કળાવા ન દીધી, એ પ્રસંગ પણ અમોહસ્વરૂપી એવા તે મહાત્મા શથંભવસ્વામીનું અસંગપણું-અનાસક્તપણે જ પ્રકાશે છે. તેમજ–“વર્ણોએ શબ્દ કર્યા, શબ્દોએ વાક્ય કર્યા, ને વાક્યોએ આ શાસ્ત્ર કર્યું, અમે કાંઈ કર્યું નથી,” એમ શ્રીપુરુષાર્થસિદ્ધિઉપાય ગ્રંથને અંતે અનન્ય નિર્મમત્વ દાખવનારા મહાનિર્ગથ મહર્ષિ શ્રીઅમૃતચંદ્રાચાર્યજીની અસંગતા પણ કેવી અદ્ભુત છે!
આમ અસંગ મહાત્માઓ સર્વત્ર પરભાવવિભાવના સંગસ્પર્શથી રહિત એવું આત્માનુચરણરૂપ અસંગ અનુષ્ઠાન આચરે છે. શીધ્ર મોક્ષપદ પ્રાપ્ત કરાવનારા અસંગ ચૈતન્યના પરમ શાંત રસામૃતસાગરમાં નિમજ્જન કરનારા આ અસંગ યોગીઓની આત્મદશા પરમ અદ્ભુત હોય છે. તેની જેટલી સ્તુતિ કરીએ તેટલી ઓછી છે. જે મહાત્માઓ અસંગ ચૈતન્યમાં લીન થાય છે, થયા છે ને થશે તેને નમસ્કાર.'