________________
૨૪૨
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
દષ્ટાંત યોજીએ તો શ્રી આનંદઘનજીની કવિતા સાકરના ઘન જેવી છે ને તેમાં સર્વત્ર અમૃત સમી મીઠાશ ભરી છે. શ્રી દેવચંદ્રજીની કવિતા શેરડીના ટૂકડા જેવી છે, એટલે તેમાં મીઠાશ તો સર્વ પ્રદેશ ભરેલી જ છે, પણ તેમાં ચાવવાની મહેનત કરવી પડે તેમ છે,તો જ તેની અમૃત સમી મીઠાશની ખબર પડે. શ્રી યશોવિજયજીની કવિતા શેરડીના તાજા રસ જેવી છે. અને તેનું યથેચ્છ મધુર અમૃતપાન સહુ કોઈ તત્કાળ સુગમતાથી કરી શકે છે.
આમ આ માધુર્યમૂર્તિ ભક્ત ત્રિમૂર્તિના પરમ ભક્તિ ભાવનિર્ભર ને ચૈતન્યરસની છોળો ઉછાળતા સ્તવનો આત્માનુભવના પરમ પરિપાકરૂપ હોઈ, ગાતાં કે સાંભળતાં, કોઈ અદ્ભુત આહલાદ આપે છે, ને મનનો થાક ઉતારી નાંખી પરમ ચિત્તપ્રસન્નતા અર્પે છે.આ ભક્ત ત્રિમૂર્તિના વચનામૃતોમાં એવા તો અદ્ભુત માધુર્ય, પ્રસાદ, ઓજસ્ ને
ધ્વનિ ભર્યા છે, એવું તો ઉચ્ચ ચૈતન્યવંતું કવિત્વભર્યું છે, કે તેનો રસાસ્વાદ લેતાં આત્મા જાણે તૃપ્ત થતો નથી. જાગતી જયોત જેવી આ ભક્ત ત્રિમૂર્તિ ભકિતરસની એવી અપૂર્વ જાન્હવી વહાવી ગયેલ છે, કે જે કોઈ ભાગ્યવંત જન તેમાં નિમજ્જન કરે છે, તે પાવન થઈ પરમ આત્માનંદ લૂટે છે. (શિખરિણી) નમું આનંદોના ઘન વરષિ આનંદઘનને
નમું દેવચંદ્રા અમૃતઝરણા જ્ઞાનઘનને; યશ:શ્રીના સ્વામી શ્રતનિધિ યશોવિજયે નમું, ત્રિમૂર્તિ ગીતાર્થે ગીત અમૃત ભક્તિરસ રમે.