________________
૨૪૦
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
અને ઉત્તમ અધ્યાત્મયોગનો પ્રવાહ વહાવી જગત પર પરમ ઉપકાર ક્યાં છે. મતદર્શન આગ્રહથી પર એવા આ વિશ્વગ્રાહી વિશાલ દષ્ટિવાળા મહાપ્રતિભાસંપન્ન તત્ત્વદષ્ટાઓ કોઈ સંપ્રદાયના જ નહિ, પણ સમસ્ત જગતના છે.
આજથી લગભગ અઢીસો વર્ષ પૂર્વે થઈ ગયેલા આનંદઘનજી અને યશોવિજ્યજી બન્ને સમકાલીન હતા. આનંદઘનજી જેવા સંતનો દર્શન-સમાગમ એ યશોવિજયજીના જીવનની એક કાંતિકારી વિશિષ્ટ ઘટના છે. તે વખતનો સમાજ એવી પરમ અવધૂત જ્ઞાનદશાવાળા, આત્માનંદમાં મગ્ન રહેનારા, આત્મારામી સપુરૂષને ઓળખી ન શક્યો ને આ ‘લાભાનંદજી” નો (આનંદઘનજી) યથેચ્છ લાભ ઊઠાવી ન શક્યો. પણ શ્રી દેવચંદ્રજી એ કહ્યું છે તેમ “તેહ જ એહનો જાણંગ ભોકતા, જે તુમ સમ ગુણરાયજી!” અર્થાત્ તેવો જ તેવાને ઓળખે, સાચો ઝવેરી ઝવેરાત પારખી શકે, તેમ તે સમયે પણ શ્રી યશોવિજયજી જેવા વિરલા રત્નપરીક્ષક જ શ્રીઆનંદઘનજી જેવા મહાપુરૂષરત્નને તેમના યથાર્થ સ્વરૂપે ઓળખી શક્યા. આ પરમ અવધૂત, ભાવનિગ્રંથ આનંદઘનજીના દર્શનસમાગમથી શ્રી યશોવિજયજીને ઘણો ઘણો આત્મલાભ ને અપૂર્વ આત્માનંદ થયો. આ પરમ ઉપકારની સ્મૃતિમાં શ્રીયશોવિજયજીએ મહાગીતાર્થ આનંદઘનજીની સ્તુતિરૂપે અષ્ટપદી રચી છે. તેમાં તેમણે પરમ આત્મોલ્લાસથી મસ્ત દશામાં વિહરતા આનંદઘનજીની મુક્તકંઠે ભારોભાર પ્રશંસા કરતા ગાયું છે કેપારસમણિ સમા આનંદઘનજીના સમાગમથી લોહ જેવો હું યશોવિજય સુવર્ણ બન્યો!કેવી ભવ્ય ભાવાંજલિ!
હવે અત્રે આ ઉપરથી એક વિચારણીય રસપ્રદ પ્રસંગ ઉપસ્થિત થાય છે કે-આવો ન્યાયનો એક ધુરંધર આચાર્ય, પદર્શનનો સમર્થ વેત્તા, સક્લ આગમ રહસ્યનો જાણકાર, વિદ્રદશિરોમણિ યશોવિજયજી ઉપાધ્યાયજી જેવો પુરૂષ, આ અનુભવયોગી આનંદઘનજીના પ્રથમ દર્શન સમાગમે જાણે મંત્રમુગ્ધ થયો હોય, એમ આનંદતરંગિણીમાં ઝીલે છે, અને તે યોગીશ્વરની અદ્ભુત