________________
પશાવબોધ મોક્ષમાળા
शिक्षापाठ ६९ : अध्यात्म જેમ જેમ મોહજન્ય અવિરતપણે છૂટે ને જેમ જેમ જીવ પરભાવ– વિભાવથી વિરામ પામે તેમ તેમ તેનો અધ્યાત્મમાં પ્રવેશ થાય છે. “નિજસ્વરૂપ જે કિરિયા સાધે, તેહ અધ્યાતમ કહિયે રે.” (આનંદઘનજી) અર્થાત જે ક્રિયા નિજ સ્વરૂપને સાધે તે અધ્યાત્મ, જે ક્રિયા વડે કરી ચતુર્ગતિ સાધે તે અધ્યાત્મ નહિ. “અધ્યાતમ વિણ જે કિયા, તે તનમલ તોલે” (યશોવિજયજી) જે પ્રક્રિયા વડે કરીને આત્મા અંતર્મુખ થઈ, અંતર્યામી બની, શુદ્ધ આત્મસ્વરૂપ પદનું મુંજન પામે તે યોગ અને તે જ અધ્યાત્મ. અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિક્ષય એમ ઉત્તરોત્તર શ્રેષ્ઠ એવો પાંચ તબક્કાવાળો (Stages) યોગ કહ્યો છે; તે સર્વ યોગમાં અધ્યાત્મ તો સર્વ ચારિત્રમાં સામાયિકની જેમ વ્યાપક જ છે. નિશ્ચય નયથી અધ્યાત્મનો પ્રારંભ પાંચમા ગુણસ્થાનથી છે, પણ વ્યવહાર નથી તો ઉપચારથી તેની પૂર્વે પણ હોય છે, અર્થાત્ ખરેખરા મુમુક્ષુ એવા અપુનબંધકથી માંડીને ચૌદમા ગુણસ્થાનક પર્યત કર્મ કરીને શુદ્ધિ પામતી જતી એવી સ્વરૂપસાધક અધ્યાત્મક્રિયાથી આત્માનો ગુણવિકાસ હોય છે.
ગુણસ્થાનકની જેમ મિત્રા આદિ આઠ યોગદષ્ટિ પણ, થર્મોમીટરની પેઠે, આત્માના આધ્યાત્મિક ગુણવિકાસના માપરૂપ છે. ગુણસ્થાનકની યોજના મોહઅપગમ પર નિર્ભર હોઈ, જેમ જેમ મોહાંધકાર ઓછો થતો જાય, તેમ તેમ આત્માનું ગુણસ્થાન વધતું જાય છે. યોગદષ્ટિની યોજના સમ્યગુ જ્ઞાનદષ્ટિના ઉન્મીલન પર નિર્ભર હોઈ, જેમ જેમ બોધપ્રકાશ વધતો જાય, તેમ તેમ આત્માની ગુણદશા વધતી જાય છે. આધ્યાત્મિક વિકાસની આ બન્ને ઉત્તમ યોજના એક સીક્કાના બે પાસા જેવી છે. મોહનાશ એ ગુણસ્થાનકની ફૂટપટ્ટી (Yard-stick) અને બોધપ્રકાશ એ યોગદષ્ટિની ફટપટ્ટી છે. તે તે દષ્ટિના યથોક્ત લક્ષણ પરથી અંતર્મુખ નિરીક્ષણ કરતાં, આત્માર્થી મુમુક્ષુ પોતાની આત્મદશાનું માપ કાઢી શકે છે; અને તેથી આત્મગુણવૃદ્ધિની પ્રેરણા (Inspiration) પામી, અપ્રાપ્ત ગુણના યોગ માટે તથા પ્રાપ્ત ગુણના ક્ષેમ માટે યથાયોગ્યપણે પ્રવર્તી શકે છે.