________________
સદગુરુ સ્તુતિ
૧૭૧
હે સમદર્શિતાના અવતાર! આ નિજસ્વરૂપનું ભાન નહિ હોવાથી આ જીવ પોતાનું ઘર છોડીને પરઘેર ભીખ માંગતો ફરતો હતો. તેને જ્ઞાનશ્રીસંપન્ન એવા આપ શ્રીમત્ પરમશ્રુતે અપૂર્વ વાણી વડે અનંત આત્મસંપત્તિ ભર્યા સ્વગૃહનો લક્ષ કરાવી, નિજ સ્વરૂપની પ્રાપ્તિનો અમોઘ ઉપાય દર્શાવ્યો. આવા અનન્ય ઉપકારી આપ પ્રભુના ચરણે હું શું ધરૂં? આત્માથી બીજા બધી વસ્તુ ઉતરતી છે ને આ આત્મા તો આપ પ્રભુએ જ મને આપ્યો છે. માટે આત્માર્પણ વડે આ આત્માનું નૈવેદ્ય આપના ચરણે ધરી આજ્ઞાંકિતપણે વતું એ જ એક ઉપાય છે. મારા મન-વચન-કાયાના યોગ આજથી પ્રભુને આજ્ઞાધીન થઈને વર્તા! હું આપ પ્રભુનો દાસાનુદાસ ચરણરેણું છું.
અહો! અહો! શ્રી સદ્ગુરુ! કરુણાસિબ્ધ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો! અહો! ઉપકાર. શું પ્રભુ ચરણ કને ધરૂં? આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપિયો, વરતું ચરણાધીન. આ દેહાદિ આજથી, વરતો પ્રભુ આધીન; દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુનો દીન.”
‘હે પરમ કૃપાળુ દેવ! જન્મ-જરા-મરણાદિ સર્વ દુ:ખોનો અત્યંત ક્ષય કરનારો એવો વીતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો, તે અનંત ઉપકારનો પ્રતિઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું. વળી આપ શ્રીમત્ કંઈપણ લેવાને સર્વથા નિસ્પૃહ છો. જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વીતરાગ પુરુષના મૂળધર્મની ઉપાસના મારા હૃદયને વિષે ભવ પર્યત અખંડ જાગૃત રહો એટલું માગું છું તે સફળ થાઓ! ૐ શાંતિ: શાંતિ: શાંતિ:.”