________________
નવ તત્ત્વનું સામાન્ય સંક્ષેપ સ્વરૂપ – ભાગ ૧
આત્મપ્રદેશથી ખરી પડે તે દ્રવ્ય નિર્જરા. તે નિર્જરા બે પ્રકારે– વિપાકજા અથવા અકામ નિર્જરા, અવિપાકજા અથવા સકામ નિર્જરા. બાંધેલું કર્મ સ્વયં ઉદયમાં આવી, વિપાક-ફળ આપી ક્ષીણ થાય તે વિપાકજા. અને ઉદયમાં નહિ આવેલા કર્મ ઉદેરી તપ:શક્તિ વડે ઉદયાવલીમાં પ્રવેશાવીને, આમ્ર-કણસ વગેરે ફળની જેમ વિપાકકાળ પૂર્વે પરિપાક પમાડી નિર્જરાય તે અવિપાકજા. વિપાકજા અથવા અકામ (ઇરાદા વગરની) નિર્જરા તો ચારે ગતિમાં સર્વને હોય જ છે, પણ ઈરાદાપૂર્વકની એવી સકામ અથવા અવિપાકજા નિર્જરા તો તપસ્વીઓને હોય છે.
મોક્ષ તત્ત્વ-બંધહેતુઓનો અભાવ તથા બંધની નિર્જરા હોતાં, સર્વ કર્મબંધનથી સર્વથા છૂટવું તે જ મોક્ષ. સર્વ કર્મ ક્ષય થયે આત્માની સ્વાત્મસંપ્રાપ્તિ અર્થાત્ સહજાન્મસ્વરૂપ સ્થિતિ એ જ ભાવમોક્ષ, અને કર્મવર્ગણાથી આત્માનું જુદું થવું તે દ્રવ્ય મોક્ષ. બીજ સર્વથા બળી ગયે જેમ અંકુર ફૂટતો નથી, તેમ કર્મબીજ બળી ગયે મુક્તને ભવાંકુર ઊગતો નથી. એવું અપુનબંધક ને અપ્રતિપાતી એવું મોક્ષપદ પામેલો આ બંધમુક્ત આત્મા, પૂર્વપ્રયોગ આદિ કારણના યોગે કરીને લોકના અગ્રભાગ પર્યત ઉર્ધ્વગમન કરે છે. અને ત્યાં નાના દીપપ્રકાશની જેમ જ્યોતમાં જ્યોત મળી, લોકાગ્રે ‘સુસ્થિત' એવા આ સિદ્ધ ભગવાન અનુપમ અનુત્તમ ને અવ્યાબાધ એવું મોક્ષસુખ અનુભવતાં, સાદિ અનંતો કાળ શાશ્વત સ્થિતિ કરે છે. (દોહરા) જીવ અજીવ મૂળ તત્ત્વમાં, નવે ય તત્ત્વ સમાય;
ભેદ જીવાજીવનો લહૈ, મોક્ષ સ્વભાવ પમાય.