________________
દિવસે પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રદેવે એ જ દિવસે “હે પ્રભુ”, “યમનિયમ”, “જડભાવે”, “જિનવર કહે છે જ્ઞાન” આ ચાર પદની અદ્ભુત રચના ખંભાત-વડવાની નજીક રાળજ ગામના વનક્ષેત્રે કરીને આપણા ઉપર અનંત કરુણા કરી છે.
પ. પૂ. પ્રભુશ્રીની સેવામાં પૂ. બ્રહ્મચારીજીએ ઉપરોક્ત ચાર પદના જે અર્થ કર્યા છે તે જ આ પુસ્તિકામાં મૂકવામાં આવ્યા છે.
લઘુ કદ હોવા છતાં આ શતાબ્દી પુસ્તિકા “હે પ્રભુ” સર્વ આત્માર્થી જીવોને મધુરતા ચખાડશે, તત્ત્વ પ્રીતિ રસ પાશે, અને મોક્ષ રુચિ ઉત્પન્ન કરશે. વિશેષમાં શ્રી પરમકૃપાળુદેવના સાક્ષાત હસ્તાક્ષર પણ આ પુસ્તિકામાં છે–તે આપણા માટે જ્ઞાનીનો અક્ષરદેહ છે.
પ્રવચન ભક્તિરૂપ આ કાર્યમાં જેમણે તન, મન, ધન અને વચનથી ઉત્સાહપૂર્વક કામ કર્યું છે, તે સર્વને પણ તે આત્મલાભનું કારણ છે.
આ પુજનિક પુસ્તિકા તથા ભક્તિની કેસેટનો વિનય તથા વિવેકપૂર્વક ઉપયોગ કરવાની નમ્ર વિનંતી છે.