________________
VII
અવશ્ય, પરંતુ સ્વાધ્યાયની પૂર્વસેવા વગરની ધ્યાનાત્મક સાધના મોટા ભાગે ગેરમાર્ગે દોરી જનારી પ્રવૃત્તિ જ નીવડતી હોય છે. સ્વાધ્યાયથી પદાર્થની જાણકારી મળે છે. અનુપ્રેક્ષા દ્વારા પદાર્થનું તત્ત્વ કે હાર્દ પામી શકાય છે. એ મેળવનારું ચિત્ત, પછી સંસારની અનંત પૌગલિક ઘટમાળની વાસ્તવિકતાને પ્રીછવા માંડે છે અને તે તરફ તેને ઉદ્વેગ, અરુચિ, વિવેક અને ઔદાસીન્ય આવતાં ધ્યાન માટેની ભૂમિકા તૈયાર થાય છે. જ્ઞાનીઓ જ્યારે સાયન્સારો – સ્વાધ્યાયધ્યાન-રત એમ કહે છે ત્યારે તેમના મનમાં આ જ આશય હોય છે કે સ્વાધ્યાયથી ચિત્તને સજ્જ કરવું, અને પછી ધ્યાન તરફ ડગ ભરવાં. “તપ-સજઝાયે રત સદા' – એ જાણીતી પંક્તિનો સ્થૂલ અર્થ તો જગજાહેર છે કે “તપ અને સ્વાધ્યાયમાં હમેશાં રમે છે. પરંતુ તેનો એક ઓછો જાણીતો પણ મહત્ત્વનો અર્થ આવો છે : સ્વાધ્યાયરૂપી તપમાં જે હમેશાં રમે તે. સાર એ કે અધકચરા જ્ઞાનાભ્યાસમાં જ કે જ્ઞાનાભ્યાસ વગર જ ધ્યાન સાધનાને જીવનનું સાધ્ય બનાવવામાં મોટું જોખમ કે ભયસ્થાન રહેલું છે.
આ સ્વાધ્યાય માટે આવા ગ્રંથો બહુ ઉપયોગી બનતા હોય છે. આ ગ્રંથના ત્રુટિત કે ભ્રષ્ટ પાઠને સાંધવામાં કે પુનર્ધટિત કરવામાં ચિત્તને બરાબર કેન્દ્રિત કરવું પડે. તો અનેક અનેક ગ્રંથો - સંદર્ભો અવલોકવા પડે. છતાં કેટલુંક - બહુ થોડુંક જ - કામ થાય, અને મોટા ભાગનું છોડી દેવાનું થાય; ત્યારે ચિત્તમાં બે સંચલન પ્રવર્તે : ૧. કાશ, આની શુદ્ધ બીજી પોથી ક્યાંકથી મળી જાય ! ૨. મારો ક્ષયોપશમ અને સજ્જતા કેટલાં મર્યાદિત છે કે આટલા ત્રુટિત પાઠ કે શબ્દને પણ કલ્પી નથી શકતો કે જોડી નથી શકતો ! તો પોતાની ભીતરી મયદાનું ભાન, આ રીત, સ્વાધ્યાય દ્વારા થતું હોય છે. સ્વાધ્યાય ફક્ત જ્ઞાન જ વધારે છે એવું નથી, એ તો આપણી મર્યાદિત આવડત કે ક્ષમતાનું ભાન પણ કરાવતો રહે છે. અને આ રીતે સાધના વિકસતી જાય છે, અને ધ્યાનની ભૂમિકા રચાતી જાય છે.
અમારો સંશોધનાત્મક સ્વાધ્યાયનો લક્ષ્યાંક કહો કે આશય તે આ છે. એટલે આવા ગ્રંથોના શોધન-સંપાદનાદિ દ્વારા એક તરફ શ્રુતજ્ઞાનની ઉપાસના થાય છે, બીજી તરફ પ્રભુશાસનની સેવા થાય છે, પૂર્વાચાર્યોની સેવા થાય છે, અને ત્રીજી તરફ અમારા આંતરિક હાસ-વિકાસનું માપ પણ સમજાતું જાય છે, એમ અવશ્ય કહી શકાય. આ અર્થમાં આ ગ્રંથસંપાદન-કાર્ય પણ એક સાધન બની રહે છે.
આવી સ્વાધ્યાય-સાધના નિરંતર મળતી રહો તેવી ભાવના મનમાં રહે છે.
આ તકે, પ્રા. રમણીકભાઈ મ. શાહનો પુનઃ ઋણસ્વીકાર કરું છું. સાથેજ જેમના કૃપાબળે આ કામ થઈ શક્યું છે તે પૂજયપાદ ગુરુભગવંત આચાર્ય શ્રીવિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજનું પણ બહુમાનપૂર્વક સ્મરણ કરું છું. અને . મુનિ કલ્યાણકીર્તિવિજયજીના હાથે આવાં ઉત્તમ સંપાદનાદિ કાર્યો ખૂબ થતાં રહે એવી શુભાશંસા સાથે વિરમું છું.
સં. ૨૦૭૨, આસો શુદિ ૧ મહુવા
- શીલચન્દ્રવિજય