________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
ઢાળ અગિયારમી
॥ દોહા ।।
પંડિતની પાસે તદા, પ્રૌઢી પુત્રી જાણ; મૂકી મહીપતિ મોહશું, શીખણ કળા સુજાણ, ૧ ૐકાર આદિ થકી, શીખી બાવન વર્ણ; અનુક્રમે આગમ અભ્યસે, વિધા, નય, વ્યાકરણ. ૨ ચતુરાઈ ચોસઠ કળા, ગીત ગાન ગુણરૂપ; ભાવ ભેદ ધર્મ કર્મના, શીખી સયલ સ્વરૂપ. ૩ બાળ ભાવ દરે ગયો, પ્રસર્યોં જોબન પૂર; કાન્તિ અપૂરવ ઝળહળે, જાણે ઉગ્યો સૂર. ૪ ચંચલ ચિત્ત તેહી જ સહી, તેહ જ નર તે તન્ન; અનંગતણો અગ્રેસરી, તે ચતુર કરે યોવન્ન. ૫ ભાવાર્થ : ત્યા૨૫છી જિતશત્રુ રાજાએ આઠ વર્ષની પોતાની પુત્રીને ચોસઠ કળામાં પ્રવિણ ક૨વા આનંદપૂર્વક પંડિત પાસે ભણવા મોકલી. (૧)
બુદ્ધિશાળી ચતુર તે બાલા અલ્પસમયમાં કાર આદિ બાવન વર્ણને શીખી અને અનુક્રમે આગમ અભ્યાસ કરતા વિદ્યા નય વ્યાકરણને જાણનારી બની. (૨)
ચતુરાઈથી ચોસઠ કલામાં તે પ્રવિણ બની. ગીત-ગાનને શીખી ગુણસમુદ્રશાલી બની. ભાવથી ભેદથી ધર્મ-કર્મના સઘળાં સ્વરૂપને શીખનારી થઈ. (૩)
અને ચોસઠ કલાથી પરિપૂર્ણ તે કુંવરી અત્યંત શોભવા લાગી. અનુક્રમે બાલપણું દૂર ગયું અને યૌવન વય પામી. તેનાં શરીરની કાંતિ અનોપમ ઝળહળી ઉઠી. તેથી જાણે સૂર્યનો ઉદય ન થયો હોય તેવી તે કુંવરી શોભવા લાગી. (૪)
ચંચળ ચિત્તવાળી અનંગ અગ્રેસરી તે યૌવનવયમાં આવી ઉભી છે. અર્થાત્ યૌવનવય પામતાં અનંગ (કામદેવ) પ્રવેશ કરે છે. (૫)