________________
SS S શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસSS S
(પંથીડા સંદેશો પૂજ્યજીને વિનવે રે) નૃપને વચને વાધ્યો નેહલોજી, મોટો મુનિવર એહ સંસાર રે; શુભમતિ રાણી સાધુને ઓળખીજી, વળી વળી વાંદે વારોવાર રે. ૧ અહો અહો બલિહારી અણગારનીજી, મનથી મૂકી મોહની કર્મ રે; સાર ન કરે જે મુનિ શરીરની જી, અહો અહો ક્ષમા તણો આશ્રમ રે. ૨ વળી વિષયને મેલ્યો વેગળોજી, પહેલે ચડતે યૌવનપૂર રે; ભરયૌવનમાં ભામિની જે તજી, સોય સુપુરુષ મોટો શૂર રે. ૩ દયાવંત અને કાયા દમેજી, ઠંડક્યો છ કાયનો આરંભ રે; ઉન્હાળાને તાપે કાયા તપેજી, તો પણ અંગે ન લગાવે અંભરે. ૪ આવી મનમાં ઉત્તમ વાસનાજી, કામિની કહે નિસુણો કંત રે; સ્નાન કરાવી સેવા કીજીયેજી, નિર્મલ થાયે જેમ નિગ્રંથ રે. ૫ નૃપ કહે સાધુ સદા નિર્મલ અઇજી, તપ સંજમ તણે પ્રભાવે રે; રાણી કહે અવધારો રાયજી રે, પુણ્ય મિલ્યો છે. પ્રસ્તાવ રે. ૬ ભક્તિભાવ ઈહાં મને ઉપન્યોજી, તમે કાં થાઓ છો અંતરાય રે; હા માની રાજાયે હેતે કરીજી, પ્રિય પ્રેમદાનો અભિપ્રાય રે. ૭ સ્નાન કરાવે તિહાં સાધુનેજી, પોયણી પગે લેઈ નીર હો; પવિત્ર કર્યું અંગ પખાલીનેજી, ચરચે ચંદન લેઈ શરીર રે. ૮ બાવના ચંદન આદે દેઈ બહુજી, સુરભિ દ્રવ્ય સરસ સુગંધ રે; વિલેપન વૈયાવચ્ચ સાચવીજી, પાખ્યાં મનમાં પરમાનંદ રે. ૯ કાચા જળની કીધી વિરાધનાજી, મુનિપતિ ચિંતે ઈમ મનમાંહી રે; કાઉસ્સગ્નનો ભંગ કીધો નહિજી, ઉપસર્ગ સહે બાષિરાય રે. ૧૦ મુનિ વાંદીને બેઠા વિમાનમાંજી, તિહાંથી કરવા તીરથયાત્ર રે; નરનારી સહુ સમુદાયશુંજી, ગયા નિર્મલ હુએ જેણે ગાત્ર રે. ૧૧ અનુક્રમે પંદર દિવસને આંતરેજી, તીરથ યાત્રા કરીને તેહ રે; આવ્યા ફરી તે ઉધાનમાંજી, નિર્મમ મુનિવરશું ધરી નેહરે. ૧૨