________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
ઢાળ સાતમી
|| દોહા ||
નરનારી જિનને નમી, કરતા જિન ગુણગાન; વિમાને બેસી ચાલે વળી, ધરી મન જિનનું ધ્યાન. ૧ વિમાન ચાલે વારુ પરે, આકાશે અભિરામ; ગિરિકંદર વન ગહન ઘન, જોતાં નવ નવ ઠામ. ૨ નવ નવ જનપદ નીરખતાં, નદી નગર નગ શૃંગ; જુએ જાલિમ કેસરી, વિવિધ વૃક્ષ ઉત્તુંગ, ૩ ઈમ અનુક્રમે આવતાં, વારુ એક વનખંડ; ફૂલ્યો સફળ સોહામણો, કુસુમ સુવાસ કરંડ. ૪ આવી તે ઉધાનમાં, વેગે રાખી વિમાન; નયણ રસે, નરનારી સવિ, અવલોકે તે યાન. ૫
ભાવાર્થ : જયસૂ૨૨ાજા અને શુભમતિરાણી તથા સર્વે નરનારીઓ અષ્ટાપદની યાત્રા કરી જિનેશ્વ૨ને નમસ્કાર કરી જિનના ગુણગાન કરતાં, જિનનું ધ્યાન ધરતાં વિમાને બેસી ચાલ્યા. (૧)
વિમાન પણ સુંદર રીતે આકાશને વિષે ચાલતું ગિરિકંદ્રા, ગહનવન પ્રદેશ ૫૨ થઈ નવા નવા સ્થાનોને જોતું ચાલ્યું. (૨)
તેમજ વળી નવાં નવાં જનપદને નીરખતું નદી - નગ૨ - પર્વત - શિખરો, વનકેસરી જાલિમ સિંહને અને અનેક પ્રકારનાં ઊંચા વૃક્ષોને નિહાળતું આગળ વધી રહ્યું છે. (૩)
અને અનુક્રમે ચાલતાં સહુ એક સુંદર વનખંડને વિષે આવ્યાં. તે વનખંડ કેવો છે તે બતાવતાં કહે છે કે તે વનખંડ ચારે બાજુથી ફૂલ્યો ફાલ્યો ખીલી ઉઠેલો સોહામણો લાગે તેવો છે. જેમ કરંડિયામાં રહેલ પુષ્પની સુવાસ છાની રહેતી નથી તેમ સંપૂર્ણ ‘વનખંડ’ કુસુમની સુરભી સુગંધથી મહેંકી રહ્યું છે. (૪)
તેવા વનખંડને વિષે વિમાન આવીને ઉતર્યું અને રાજા - રાણી સહિત સર્વે નર-નારીઓ તે ઉદ્યાનનાં સ્થાનને સારી રીતે તેની સૌંદર્યતાને – સુંદરતાને નિહાળી રહ્યા છે. (૫)
३८