________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
ઢાળ અઠ્ઠાવનમી
|| દોહા ।।
જીવ તે દુર્ગાતા નારીનો, દેવલોકે જે દેવ; અવલોકે ભૂલોકમાં, અવધિજ્ઞાને હેવ. ૧ જિણ શુકે આપી ફલ મને, કીધો હતો ઉપકાર; રત્નાદેવીને ઉદરે, તેણે લીધો અવતાર. ૨ તે માટે હું પણ હવે, કરવા પ્રત્યુપકાર; ઈચ્છા પૂરું તેહની, આપી ફળ સહકાર. ૩ ઈમ ચિંતીને અમર તે, માનવ લોક મોઝાર; રૂપે સારથવાહને, આવ્યો તેણી વાર. ૪
ભાવાર્થ : હવે કંચનપુરીનગ૨ીને વિષે જે દુર્ગતા નારીનો જીવ હતો. જેણે શુક-યુગલ પાસેથી આમ્રફળ ગ્રહણ કરી મહાપૂજાના પ્રસંગે પરમાત્મા સન્મુખ આમ્રફળ ધરાવવા દ્વારા ફળપૂજા કરીને જે પુણ્યરાશી એકત્ર કરી, પાપકર્મનો હ્રાસ કરી, દેવલોકે દેવ તરીકે ઉત્પન્ન થયેલ તે દેવ સુરલોકથી અવધિજ્ઞાનના ઉપયોગ દ્વારા મૃત્યુલોકમાં નિરીક્ષણ કરે છે (જોવે છે) કે – (૧)
-
હું કયા પુણ્યથી દેવલોકે અવતાર પામી છું ? દેવપણે ઉત્પન્ન થઈ છું ? એ પ્રમાણે જોતાં જોતાં ખબરપડી કે હા. પૂર્વભવમાં હું નિર્ધન, અસમર્થ, દુર્બલ એવી દુર્ગતા નામે સ્ત્રી હતી. એક વખત રાજાએ કરાવેલ મહાપૂજાના પ્રસંગે ફળ ધરાવવા હું અસમર્થ હોવાથી, તેનાં દુઃખે ઝુરતી હતી. તે સમયે સહકારના વૃક્ષ પર રહેલાં શુક-યુગલ પાસે મેં આમ્રફળ માંગેલ. શુક-યુગલે પણ ઉપકાર બુદ્ધિથી મને આમ્રફળ આપેલ, તે આમ્રફળ પરમાત્મા સન્મુખ ધરાવવાના, ફલપૂજાના પુન્ય પ્રતાપે હું અહિં દેવપણે ઉત્પન્ન થઈ છું.
તો હવે જે પોપટે મને આમ્રફળ આપી મારા પર મહાન ઉપકાર કર્યો છે. તે પોપટનો જીવ હાલ રત્નાદેવીની કુક્ષીને વિષે ગર્ભપણે ઉત્પન્ન થયો છે. (૨)
અને તે ગર્ભના પ્રતાપે રત્નારાણીને આમ્રફળ ખાવાની ઈચ્છા થઈ છે. તો હું હવે મનુષ્યલોકમાં જાઉં અને રત્નારાણીને આમ્રફળ આપી તેની ઈચ્છા પૂર્ણ કરવા દ્વારા પ્રત્યુપકાર કરું. (૩)
એ પ્રમાણે વિચાર કરીને દુર્ગતા નારીનો જીવ જે દેવરૂપે જન્મ પામ્યો છે. તે દેવ સાર્થવાહનું રૂપ લઈને જ્યાં રત્નારાણી રહેલી છે ત્યાં આવે છે. (૪)
૩૧૪