________________
તો શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ઢાળ ચાલીસમી
|| દોહા ||
પદમપુર નગરે વસે, પદમરથ રાજાન; પદમા નામે તેહને, રાણી રૂપનિધાન. ૧ ગુણધર જીવ ચવી થયો, જય નામે સુત તાસ; અનુક્રમે વાઘે બાલ તે, પ્રગટ્યો પુણ્ય પ્રકાશ. ૨ ઈંદ્રકુમાર સમ ઓપતો, અથવા જાણે કામ; અવની ઉપરે અવતર્યો, મનમોહન અભિરામ. ૩ સુરપુર નગરે શોભતો, સુરવિક્રમ નરનાથ; શ્રીમાલા પટરાગિની, સુખ વિલસે તિણ સાથ. ૪ લીલાવતીનો જીવ તે, ચવી શ્રીમાલાને પેટ; પુત્રીપણે તે ઉપનો, જાણે પુણ્યે કીધી ભેટ. ૫ રૂપવંત ગુણ દેખીને, વિનયશ્રી ધર્યો નામ; અનુક્રમે વાધી બાલિકા, સકલ કલા ગુણધામ. ૬
ભાવાર્થ : પદ્મપુર નામના નગરમાં પદ્મરથ નામે રાજા રાજ્ય કરે છે. તેને રૂપના ભંડાર સમી રૂપવતી પદ્મા નામે રાણી છે. (૧)
તે રાણીની કુક્ષીને વિષે સુરલોકથી ગુણધરનો જીવ ચવ્યો અને અનુક્રમે પુત્રપણે જન્મ પામ્યો. માતા-પિતાએ તેનું ‘જય’ એવું નામ પાડ્યું. અનુક્રમે તે બાળક વૃદ્ધિ પામ્યો જાણે કે પુણ્યનો પ્રકાશ પ્રગટ્યો. (૨)
ઇંદ્રકુમારની જેમ ઓપતો જાણે સાક્ષાત્ કામદેવ જોઈ લ્યો. પૃથ્વી પર મનમોહન એવો તે શોભવા લાગ્યો. (૩)
હવે સુરપુર નગરને વિષે સુરવિક્રમ નામે રાજા છે. તેને ‘શ્રીમાલા’ નામની પટ્ટરાણી છે. તેની સાથે પંચવિષય સુખ તે રાજા ભોગવી રહ્યો છે. (૪)
તે સમયે દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી લીલાવતીનો જીવ ત્યાંથી ચ્યવી પુત્રીપણે ‘શ્રીમાલા’ના ઉદરે ઉત્પન્ન થયો, જાણે પુણ્યે તેની ભેટ ધરી. (૫)
અનુક્રમે ગર્ભકાલ પૂર્ણ થયે છતે શ્રીમાલાએ પુત્રીરત્નને જન્મ આપ્યો. તેના રૂપ અને ગુણને અનુલક્ષીને માતા-પિતાએ ‘વિનયશ્રી' નામ પાડ્યું. અનુક્રમે વધતી તે બાલિકા સકલ કલાની પારંગત અને ગુણની ભંડારી બની. (૬)
૨૨૬