________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
ઢાળ અઠ્ઠાવીસમી
|| દોહા ||
તે શુક દેખી રાય તવ, ખડ્ગ ગ્રહિ નિજ પાણિ; ક્રોધાકુલ તે કીરને, મારે જવ મહારાણ. ૧ તે સૂડી સહસા તદા, પામી મહાદુ:ખ પૂર; પતિ અંતરે આવી પડી, થર થર કંપે ઉર. ૨ સૂડી કહે શંકા ત્યજી, મુજને હણ રાજન; મેલ તું મારા નાથને, શુક મુજ જીવ સમાન. ૩ મુજ માટે એણે કર્યું, નિજ જીવિત તૃણ તુલ્ય; મુજ મન દોહલો પૂરવા, લાવ્યો શાલિ અમૂલ્ય. ૪ પ્રાણ તજું પ્રિય કારણે, મનશુદ્ધે મહારાજ; શુકને મેલ તું જીવતો, હણ તું મુજને આજ. ૫ મુજ ઉભાં સૂડી મરે, તો મેં કિમ રહેવાય; શુક કહે સ્વામી તુમે, મુજને મેહલો ઘાય. ૬ કહે રાજા હસી કીરને, તું પંડિત વિખ્યાત; મહિલા કાજે જે મરે, એ નહી જુગતિ વાત. ૭ નર કાજે નારી મરે, એ તો છે વ્યવહાર; નારી કારણ નર મરે, તે નર સહી ગમાર. ૮
ભાવાર્થ : હવે તે પોપટને દેખીને રાજા ક્રોધાકુલ થઈ, પોતાના હાથે તલવાર ગ્રહણ કરી તે મહારાય કીરને મારવા જાય છે. (૧)
ત્યારે તે સૂડી મહાદુ:ખ પામી અને એકદમ હૃદયથી થરથર કંપતી પતિની વચ્ચે આવીને પડી. (૨)
અને સૂડી મનથી ભય ત્યજીને કહેવા લાગી કે, હે રાજન્ ! તું મારા નાથને છોડી દે એ શુક મને મારા જીવિત બરાબર છે. તેથી મને હણ પણ મારા નાથને છોડી દે. (૩)
વળી હે રાજન્ ! આ મારા નાથે મારા માટે પોતાનું જીવન તણખલાને તોલે કર્યું છે. મારો દોહદ પૂરવા મારા નાથ મારા માટે અમૂલ્ય શાલિ લાવ્યા હતાં. (૪)
૧૫૯