________________
(દોહરા) પ્રવહણથી સહુ ઉત્તરી, જલ ઇંધણ લે લોક; કૌતુક જોતાં અતિ ઘણાં, ફરતા નરના થોક. ૧ અમરકુમાર પણ ઇણે સમે, દેખ કૌતુક સાર; વન વાડી પાદપ જુએ, સુરસુંદરી સહ નાર. ૨ સુંદરી થાકી તિણ સમે, કુમારે પણ વિશ્રામ; પાદપ છાયાયે તિહાં, બેઠા દંપતી તા. ૩ કંત ઉસંગે સુંદરી, નિદ્રાવશ થઈ નાર;
તવ કુમર બેઠો, તિહાં, હૃદય કરે કુવિચાર. ૪ ભાવાર્થ -
યક્ષદ્વીપે સિંહલદ્વીપ તરફ જઈ રહેલા વહાણ, વચમાં આવતા યક્ષદ્વીપે ઇંધણપાણી માટે સૌ ઉતર્યા. જેને જે કામ કરવાનું તે સૌ પોતપોતાના કામે લાગી ગયા. વળી કેટલાક દ્વીપના સૌંદર્યને જોવા માટે કિનારે આમતેમ ફરી રહ્યા છે. કૌતુકને જોવા માટે અમરકુમાર પણ સુરસુંદરી સાથે દ્વીપ ઉપર ફરી રહ્યો છે. દીપના કિનારેથી દૂર રળિયામણો બગીચો હતો. તેને જોવાનું સુંદરીને મન થતાં કાફલાથી થોડે દૂર બંને જણ ઉદ્યાનમાં સહેલ માણવા માટે ગયા. અવનવી વનરાજી જોતાં સુંદરીને ઘણો જ આનંદ થાય છે. અમરને કહી રહી છે પરદેશ જવા નીકળ્યા તો આ બધું જોવા મળ્યું. નહિ તો કુદરતની લીલા ક્યાં દેખત? આમ વાતો કરતાં ને કરતાં દંપતીએ લતા મંડપ જોયો, ત્યાં બંને જઇને બેઠા. અવનવી વાતો કરતાં સુંદરી થાકી ગઈ. શીતલ વાયુ મંદ મંદ વાય રહ્યો છે, હૈયે ટાઢક પણ છે, ચિંતા કોઈ જ નથી, થાકેલી સુરસુંદરી સ્વામી અમરકુમારના ઉત્સગે માથું મુકીને સૂઈ ગઈ. વાત કરતી બાળાને મીઠી નિંદર આવી. નિર્ભયપણે બાળા સ્વામીના ખોળામાં નિદ્રાવશ થઈ ગઈ. હવે કુમાર એકલો પડ્યો. નિર્દોષ પત્નીને જોયા જ કરે છે. કેવી બાળ ભોળી છે? વિચારમાં ઊંડો ઉતરી ગયો. કુમાર પત્નીના ગુણોને સંભારતો થકો વળી અવનવા વિચારોમાં ગરકાવ બની ગયો.
અવળચંડુ મન યારેય નવરું બેસી રહેતું નથી, મગજને પણ બેસવા દેતું નથી. સારા-નરસા વિચારો આવ્યા જ કરવાના. તેમાં વળી જો એકાન્ત હોય તો તો આ વિચારો, વણથંભ્યા આગળ વધ્યે જ જાય છે. જ્ઞાનીઓએ કહ્યું છે કે એકાન્ત અને અંધકાર બહુ ભૂડાં ભયંકર અને ખતરનાક છે. એકલો પડેલો અમરકુમાર ભૂતકાળની દુનિયામાં પહોંચ્યો ને કુવિચારના આડે ચડ્યો.
ઢાળ - ચોથી
(બીજી અશરણ ભાવના - એ દેશી) અમરકુમાર ચિત્ત ચિંતવે, એ સુંદરી અવદાત રે, બાલપણા માંહિ જે થઇ, સાંભરી પૂરવ વાત રે; મે રમતાં લઘુ જાત રે, નિશાળે કૌડી સાત રે, લેઈ સુખડી ખાતરે, તવ મુજ ગાળ દેવાત રે,
ડિસ મ ધરશો રે પ્રાણીયા. એ આંકણી. ૧ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)