________________
કાનને દઝાડે એવા શબ્દો સાંભળી સુંદરીથી સહજ રીતે ઓહ બોલાઈ ગયું. હે મા! તમે આ શું બોલો છો? વેશ્યા બોલી - મને ઓખળતી નથી. કેમ? હું આ નગરીની ગણિકા છું ને વહાણવટિયાએ તને અહીં સવા લાખ મૂલથી વેચી દીધી છે. મેં તને મૂલ આપીને ખરીદી છે. માટે તારે મારું પદ સાચવવા તૈયાર થવું જ પડશે. તારા ચરણોમાં મારું સકલ સુખ, સઘળી સમૃદ્ધિ સર્વસ્વ કીર્તિ હું અર્પણ કરીશ. સુરસુંદરી સાંભળી ન શકી. આગળ કહેવા લાગી – નહિ મા! આગળ ન બોલો – આવા સુખ સળગી જાઓ - આવા વિલાસો ફના થઈ જાઓ. વેશ્યા ચાલી ગઈ. સુંદરી એકલી પડી. ઘડીવાર માટે વિચારવા લાગી. રે શેઠ! આ નિરપરાધી નારીનું પૈસાથી લીલામ કરીને ગયો? તને જરાયે દયા ન આવી. હે કીરતાર! વેશ્યા પણ એક સ્ત્રી છે ને! એના હૈયે પણ મારા તરફ કરુણા આવતી નથી. હે કર્મરાજા! હજુ મારે કેટલાં દુઃખો વેઠવાના છે? કેટલું રખડવાનું બાકી હશે? યમરાજાના વશમાં પડેલો પ્રાણી જેમ ઘણાં પાપ આચરણ કરે છે તો શું મારે અહીં એ રીતે પાપનું આચરણ કરવું પડશે? પૂર્વકૃત પાપના ફળોને ભોગવું છું. ને હજુ કેટલા પાપો બાંધીશ. સુખ દુઃખ કર્મ અનુસારે ઉદયમાં આવે છે. તો તે ચેતન! શા માટે બીજા ઉપર રોષ કરવો. હજુયે પૂર્વભવમાં બાંધ્યા મારા અશુભ કર્મ ભોદ્વાઈ ગયા નથી. રે જીવ! ભવાંતરે બાંધતા વિચાર ન કર્યો અને હવે સંતાપ કરે શું વળે? હે દેવ! ધિક્કાર છે આ મારા રુપને? જે રુપથી સુખ સાહ્યબી ભોગવવા રાજકુળ હું અવતરી. શ્રેષ્ઠીવર્યને ત્યાં પરણી. આજ એ રુપે મને દુઃખી દુઃખી કરી નાખી. મારા રુપ સાથે થન થન કરતુ યૌવનવય છે. જેથી જોનારતો મારા રુપ અને યૌવન પર મુગ્ધ બની જાય છે અને તે પુરુષો ન આચરવાનું આચરણ કરી બેસે છે. જગતના જીવો ક્યારેય આવા વિષયો પર વિશ્વાસ ન કરશો. નહિ તો મારી જેમ સૌ કોઇના હાલ બે હાલ થઇ જશે.
સ્ત્રીઓના હાલ કેવા થાય છે? વસંતપુર નામે નગર હતું. તે નગરીનો રાજા સિંહસેન, તેને સુકુમાલિકા નામે સ્વરુપવાન રાજકુંવરી હતી. કુંવરી પછી રાણીએ બે પુત્રોને જન્મ આપ્યો. તેમનાં નામ શશક, ભશક રાખ્યું. પૂર્વના પ્રબળ મોહનીય કર્મના ક્ષયોપશમથી ત્રણેય વીરપ્રભુના માર્ગે સંચર્યા. બેન સાધ્વી અતિશય સ્વરુપવાન હોવાને જ્યાં જાય ત્યાં બધા જ જોવા આવે. તેથી બંને ભાઇઓ સાથે બેન-સાધ્વી વિચરે છે. તેથી પોતાનું રક્ષણ થાય. તપ પણ ઘણા આકરા કરે છે. એકાદ વિહાર કરતાં જંગલમાં બેનને તરસ લાગી. ભાઇ પાણીની તલાશ કરવા જાય છે. અતિશય તૃષાએ સાધ્વી મુછિત બની ગયા. બેનની આ દશા જોઇ બંને ભાઈ સમજ્યા કે બેન હવે જીવતા નથી. પાણી વિના પ્રાણ નીકળી ગયા છે. તેથી જંગલમાં તે ઝાડ નીચે મૂકી દીધી. આગળ વિહાર કરી ગયા. પાછળથી કોઇ સાર્થવાહ પોતાના કાફલા સાથે ત્યાંથી નીકળ્યો. સાધ્વીને જોયા. તેના રુપને જોતાં, અંજાઈ ગયો. તપાસ કરતાં ખબર પડી કે બેભાન છે. સાર્થમાં ઊંચકી લીધી. ઉપચાર કર્યા. ભાનમાં આવી. કર્મવશે સાર્થવાહ આગળ કઈ ન ચાલ્યું. ને કામ પશે પડેલો ને રુપમાં પાગલ બનેલા સાર્થવાહે પોતાની સ્ત્રી બનાવી. આ કથા ઘણા વિસ્તારથી ઉપદેશમાળામાં લખાઈ છે. આમ વિચારતી વળી પોતાના કર્મને નિંદતી યૌવનવયને ધિક્કારતી રહી છે. વળી વિચારે છે કે જો આટલા અધોર કર્મ હતા તો હે કિરતાર! મને મારા માતાના ગર્ભમાં ગાળી નાખવી હતી. જન્મ શું કામ આપ્યો? અશુભ કર્મના ઝાડ ઊગવાના હતા તો મને અવતાર શા માટે આપ્યો?
સુરસુંદરી હતાશ થઈને વેશ્યાના મહેલની પાછળ દીધેલા સુંદર કમરામાં બેઠી છે. ને કંઇક વિચાર કરી રહી છે. શું કરુ? હાય! હું છાર (રાખ) રુપે ઉત્પન્ન કેમ ન થઈ? અથવા પારણામાં માએ સુવડાવી ત્યારે પારણું તુટી કેમ ન ગયું? તુટી ગયું હોત તો મરી જાતને. વળી તે કરતાં ગર્ભ થકી બહાર ન આવી હોય તો આ પૃથ્વી ઉપર આવી દુઃખની પરંપરા ન પામતને? આ દુઃખીયારી ઉપર આકાશ પણ ન તૂટી પડ્યું? હે કર્મરાજ! આવા દુઃખીયારા ઉપર હદ ઉપરાંત દુઃખનો દાટ વાળને જેથી દુ:ખીયારા મરી જાય. ભારે કમ હું દુઃખનો ઘણોભાર માથે પડતાં મરતી નથી.
(મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)
૯૮)