________________
કરતા સસરા ઉપર, મુનિ ઉપશમ ભાવને ટકાવી રાખતાં, સકલ કર્મનો ક્ષય કરીને કેવલજ્ઞાન પામી શિવસુંદરીને વર્યા. ક્રોધી વિકરાલ સોમિલ ભયંકર કર્મને બાંધીને આયુષ્ય પૂર્ણ કરીને માધવતી નામની સાતમી નરકે ભયંકર દુઃખને ભોગવે છે. જે ઉપદેશમાળામાં બતાવ્યું છે.
આવા પ્રકારના વિપાકોને જાણતા, આગમને પણ જાણતા, છતાં અમરકુમારે ક્રોધ થકી કઠણ કલેજુ કરી નાંખ્યુ. ને ત્યાંથી મૂઠીવાળીને દોડતો દરિયા કાંઠે આવીને બૂમાબૂમ કરી મૂકી. દોડો! દોડો! આ દ્વીપના યક્ષરાજે આવીને સુરસુંદરીને મારી નાંખી. અબળાના ઉ૫૨ જોર કરીને માણસ હોવા છતાં પશુ કરતાં વધારે શેતાન-પાપી બનીને, અઘોર પાપને કરતો વહાણમાં ચડીને મોટેથી બધાને આ પ્રમાણે કહેવા લાગ્યો. તમે સૌ જલ્દી વહાણમાં ચડી જાઓ. જલ્દી વહાણને હંકારી દો. અહીં ક્ષણવાર પણ રોકાવું નથી. મારી પત્નીને ભરખી ગયો. વળી પાછો અહિં આવશે. મેં છોડાવવા ઘણો પ્રયત્ન કર્યો. પણ હું મારી પત્નીને ન બચાવી શક્યો. તદન ખોટાં બોલાયેલાં વચનો સૌને સાચાં લાગ્યાં. જરા પણ વિલંબ કર્યા વિના સૌ વહાણમાં ચડી ગયા. ખલાસીઓએ વહાણો હંકારી મૂક્યા.
વહાણમાં રહેલો ન૨-પિશાચ બનેલો કુમાર મોટે મોટેથી રડવા લાગ્યો. તેનું રડવાનું સાંભળીને વહાણમાં રહેલા સઘળા લોકો પણ રડવા લાગ્યા. ખોટું રડવાનું ક્યાં સુધી ચાલે! સુંદરીનો શોક કરતા વહાણવટીઆઓ વહાણો વધારે વેગથી ચલાવવા લાગ્યા. યક્ષદ્વીપનું નામ પડતાં સૌને કાળજા કંપવા લાગ્યા હતા. જીવ બચાવવા ઇષ્ટદેવનું સ્મરણ કરતાં કિનારાને જલ્દી છોડી દીધો.
આ પ્રમાણે ક્રોધને ધારણ કરતી આ બીજા ખંડ, તેની ચોથી ઢળકતી ઢાળ કહેતાં કવિરાજ કહે છે કે ભવ્યજીવો! જિનેશ્વર ભગવાનની કૃપા મેળવી હૃદયમાંથી ક્રોધને સદાને માટે વિદાય આપજો અને પુણ્યની પાળને બાંધજો. દ્વિતીય ખંડે ચોથી ઢાળ સમાપ્ત
(દોહરા)
અબળા પાછળ એકલી, જાગી કુમરી જાહે; નવિ દેખે પ્રીતમ સમીપ, ઉપની અંતર દાહ, ૧ ઇમ બોલે તિહાં સુંદરી, પ્રીતમ સુગુણ ગરિઠ; ગુપ્ત છપીને કિહાં રહ્યો, મોહન મુજ મન ઇઠ. ૨
ભાવાર્થ :
યક્ષદ્વીપને પળવારમાં છોડી દેતાં, વહાણો સડસડાટ કરતાં આગળ ચાલવા લાગ્યા. વહાણમાં રહેતા લોકો ભયના માર્યા પાછું વળીને દ્વીપ સામે એક નજર પણ નાંખતા નથી. પ્રપંચી કુમારે પત્નીને છોડી દીધી. આ સાચી વાત એક કુમાર જાણે. બીજા કોઇને કશી ખબર નથી. ખોટો શોક કરતો, સુંદરીને સંભારતો થકો વહાણમાં રહ્યો છે. પણ પત્ની ભૂલાતી નથી. હવે આ બાજુ યક્ષદ્વીપમાં મુકેલી અબળા સુરસુંદરી ઊંધ પુરી થયે જાગી. બિચારીને કંઇ જ ખબર નથી. જ્યારે કુંવરી જાગી. પોતાનું માથું નીચે મુકેલું છે. પોતાની પ્રીતમને માથા પાસે બેઠેલો ન જોતાં સફાળી બેઠી થઇ. હૈયે ફાળ પડી. અંતરમાંથી આહ નીકળી ગઇ. ને બોલવા લાગી. હે પ્રીતમ! હે ગુણવાન! આપ ક્યાં ગયા? મારા મનને આનંદ પમાડનાર હે મોહન! છળીને આપ ક્યાં સતાઇ ગયા! જલ્દી આવો! મને દર્શન આપો. મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ
૬૭