________________
યોગ-બળ–આંદોલન ૪૯
પણ, એ ઝીણું મીંડું કેવડું હોઈ શકે ? ખૂબ ઝીણું. આપણી આંખે માંડ માંડ દેખાય એવું.
ઓહો ! આંખેથી માંડમાંડ. દેખાય એવા મધ્યબિંદુમાં પણ અસંખ્ય પ્રદેશો હોય છે, એ કેમ ભૂલી ગયા ?
હા, જી ! હા, જી ! અમારી ભૂલ થઈ, ત્યારે એ મધ્યબિંદુ કેવડું નાનું હોઈ શકે ?
નાનામાં નાનું આઠ પ્રદેશ જેવડું હોઈ શકે, તેથી નાનું ન હોઈ શકે. ચાર દિશાના ચાર નીચે અને ચાર ઉપર એમ આઠ પ્રદેશો જ મધ્યબિંદુ થઈ શકે. ચાર ઉપરના પ્રદેશ ઉપર, ઉપરની દિશા (ઊર્ધ્વ દિશા) આવે. અને ચાર નીચેના પ્રદેશોની નીચે, નીચેની (અધો દિશા) આવે. ઉપરની દિશાએથી, નીચેની દિશાએથી, અને ચારેય બાજુની ચાર દિશાઓથી સંકોચતાં, સંકોચતાં વચ્ચે આઠ મધ્યના પ્રદેશ સુધી આવવું પડે. તેથી આગળ વધી ન શકાય, કેમકે, સામસામું દબાણ આવવાથી આઠ જ પ્રદેશો મધ્યબિંદુ તરીકે બરાબર ગોઠવાઈ જાય છે. મધ્યબિંદુનું આ રીતે ચોક્કસ માપ આવી રહે છે. આ આઠ પ્રદેશોનું નામ આઠ રુચક પ્રદેશો કહેવાય છે. આ આઠ રુચક પ્રદેશો મધ્યબિંદુ છે, તે સિવાયના દરેક આત્મપ્રદેશો આંદોલિત હોય છે.
દાખલા તરીકે—ઊકળતા પાણીનો દેગ. ઊકળતું પાણી જેમ ગરમીના જોરથી નીચે-ઉપર થાય છે. તેને આંદોલિત થતું આપણે જોઈએ છીએ, તે પ્રમાણે આત્મપ્રદેશો આંદોલિત હોય છે.
આવી રીતે, તમારા શરીરમાં રહેલો આત્મા હંમેશાં આંદોલિત જ હોય છે. તમે સૂતા હો તો પણ, તે આંદોલિત જ હોય છે.
માત્ર, કાંઈ કામ કરતા હોઈએ, અથવા કોઈ સ્થળે બળ અજમાવવાનું હોય, તે પ્રસંગે આત્મા વિશેષ આંદોલિત હોય છે. આ પથ્થર ઊંચકો, હાથને બળ કરવું પડે છે કે ?
હા, ઘણું બળ કરવું પડે છે. તે સાથે આખા શરીરનુંયે બળ લગાડવું પડે છે.