________________
૪૮ કર્મ-વિચાર ભાગ-૧
આપણે આત્મપ્રદેશોની હકીકત શીખી ગયા છીએ. તે આત્મપ્રદેશો આંદોલિત હોય છે, તેની અસર શરીરનાં સૂક્ષ્મ તત્ત્વો ઉપર થાય છે, તેની અસર, મગજ, હાડકાં, મેદ, માંસ, વગેરે ઉપર થાય છે, અને તેની અસર લોહી ઉપર થાય છે. લોહીના ફરવાની અસર હૃદય ઉપર, અને હૃદયની અસર નાડીઓમાં થાય છે.
લોહી ફરવાની ક્રિયા આપણે નાડીઓ દ્વારા જાણી શકીએ છીએ. પરંતુ હું તમને આત્મપ્રદેશો કેવી રીતે આંદોલિત હોય છે તે સમજાવું છું.
આત્મા સ્વતંત્ર એક અખંડ પદાર્થ છે, એ વાત ખરી ને ? હા, જી !
તેનું મધ્યબિંદુ કલ્પો, મધ્યબિંદુ તે બરોબર વચ્ચેનો ભાગ. આત્માનું મધ્યબિંદુ આઠ પ્રદેશો છે, તે આત્માના મધ્યબિંદુ તરીકે આવેલા છે.
એ આઠ પ્રદેશોનું નામ રુચક પ્રદેશો કહેવાય છે. મધ્યબિંદુમાં આઠ પ્રદેશો કેમ? પ્રદેશો કેવડા હોય? તેની તમને માહિતી છે ને? હા. જી ! પ્રદેશો પરમાણુ જેવડા જ હોય. તો પછી પ્રદેશ અને પરમાણુમાં ફરક શો ?
ફરક એ જ કે પરમાણુ સ્વતંત્ર પદાર્થ તરીકે છૂટો હોય છે. ત્યારે પ્રદેશ પરમાણુના માપનો જ પણ છૂટો પડેલો નથી હોતો. સ્કન્ધ સાથે જ લાગેલો-રહેલો હોય છે.
હા, એમ જ. તમે બરાબર સમજ્યા છો, તેમાં શક નથી. હવે, હું તમને મધ્યબિંદુના આઠ પ્રદેશો લેવાનું કારણ સમજાવું છું.
આ દડાનું મધ્યબિંદુ કેવડું હશે? તે કહી શકશો? હા, ખુશીથી કહી શકીશું. કહો, ત્યારે. તે એક બારીકમાં બારીક ઝીણા મીંડા જેવું હશે.