________________
પાઠ ૧૨માં
યોગ–બળ આંદોલન
“સ્કૂલ-સૂક્ષ્માયતશ્રેષ્ટા આત્મનો વૃત્તયો મતા”
યોગબિંદુ. ૪૦૬.
ગયા પાઠમાં આત્મપ્રદેશો વિશે કેટલુંક તમે શીખ્યા, તેમ જ આત્મપ્રદેશોનો સંસર્ગ-વિસર્ગ થાય છે, એ પણ તમે સમજયા.
તમારી છાતી પર જરા ડાબી બાજુએ હાથ મૂકો, શું થાય છે ? ધબક, ધબક, થાય છે.
તમારા જમણા હાથના કાંડા પર અંગૂઠા પાસેની નસ-નાડી ઉપર આંગળીઓ મૂકો, તપાસો શું થાય છે ?
ત્યાં પણ ધબકારા જણાય છે. તેનું કારણ સમજો છો ?
કારણ એમ જણાય છે કે, શરીરમાં લોહી ફરે છે એટલે લોહીમાં આંદોલન થાય છે, અને નાડીઓમાં લોહીના આંદોલનનો ધડકારો જણાય છે. એમ સામાન્ય રીતે કહી શકાશે.
લોહીમાં આંદોલન શાથી થતું હશે ? કંઈક કારણ તો હશે જ ને ? શું કારણ હશે ? આપ સમજાવો.