________________
પાઠ ૧૧મો
આત્મપ્રદેશો અને આત્મપ્રદેશોની સંસર્ગ તથા વિસર્ગ શક્તિ
પાઠ ત્રીજાથી પાંચમા સુધીમાં આત્મા વિશે તમે કેટલુંક શીખી ગયા છો-“આત્મા આપણા આખા શરીરમાં ફેલાઈને રહેલો છે, ચૈતન્યશક્તિ તેમાં છે.” ઇત્યાદિ ઇત્યાદિ ઘણુંયે શીખ્યા છો.
તે આત્મામાં કઈ કઈ શક્તિઓ છે ? શરીરમાં તે કેવી રીતે હરે ફરે છે ? શરીરની હલનચલન ક્રિયામાં કેવી અને કેટલી મદદ આપે છે ? તેનું શું ફળ આવે છે ? એ વગેરે સવાલોના સમાધાન ઘણા ભાગે કંઈક કંઈક હવે પછીના પાઠોમાં કરીશું.
જેમ આત્મા આપણા શરીરમાં છે, તે જ રીતે દરેક માણસના શરીરમાં પણ છે. એ તમે કબૂલ કરી શકો છો ?
હા, કેમકે-તેઓ ઇરાદાપૂર્વક હિલચાલ કરે છે. એટલે તેઓમાં ચૈતન્ય છે, અને જ્યાં ચૈતન્ય છે, ત્યાં આત્મા નક્કી છે.
તમારા નાના ભાઈની ઉંમર કેટલી હશે ?
બે વર્ષની.
ને તમારી કેટલી ?
પંદર વર્ષની.
તમે તમારા નાના ભાઈ જેવડા હતા ?
હા. તેર વર્ષ પહેલાં હું તેના જેવડો જ હતો.