________________
૧૪ કર્મ-વિચાર ભાગ-૧
અમને આ સમજવાનું મળે છે, તેમાં અમને આનંદ છે. અમારે ઇનામની તાલાવેલી નથી. વાત ખરી છે કે, લાગણીઓ તો જુદી જુદી ઊઠે છે અને નાશ પામે છે, એકેય કાયમ રહેતી નથી. અને ચૈતન્ય તો શરીરમાં કાયમ જોવામાં આવે છે. | માટે શરીરમાં કોઈ રોજ કાયમ રહેનારી વસ્તુ ભરાઈને રહેલી છે કે, જેમાંથી લાગણીઓ ઊઠે છે, અને તેમાં પછી પાણીના તરંગોની માફક સમાઈ જાય છે. શરીરની અનેક નિયમિત હિલચાલનું મૂળ મથક કોઈ જુદી જ ચીજ હોવી જોઈએ, અને તે ચીજ શરીરમાં ભરાઈ બેઠી છે.
તે ચીજ ચાલી જાય, એટલે લાગણીઓના તરંગો અને પૂર પણ તેની સાથે ચાલ્યું જાય. એટલે શરીરભાઈ તો હતા ત્યાંના ત્યાં જડ પથ્થર જેવા લાગણી રહિત થઈને પડ્યા રહે-મડદું બની જાય. અને જયારે પેલી ચીજ તેમાં આવે, તો પાછા ઊભા થઈને ચેનચાળા બધાય કરવા માંડે !
વાહ રે વાહ ! તમારી તર્કશક્તિનો પ્રવાહ ગંગાના ધોધની માફક વેગબંધ આગળ વધી રહ્યો છે.
આપની કૃપાનું એ ફળ છે. પણ હવે એટલું જ કહોને કે, એ વસ્તુ કઈ હશે? તેનું નામ શું? હવે અમારી શક્તિની અહીં હદ આવી રહે છે.
અમે તેનું નામ જાણતા નથી, કહી શકતા નથી, તેમજ તેને વિશે વિશેષ કાંઈ પણ જાણતા નથી.
' ફિકર નહીં, ફિકર નહીં, તમને તે જાણવામાં પણ હું પૂરેપૂરી મદદ કરીશ.